બટાટાની પચનિયતાનો આધાર તેને પકવવાની રીત પર રહેલો છે. છાલ સાથે યોગ્ય રીતે બાફેલા અને શેકેલા બટાટાનું સરળતાથી પાચન થાય છે. જ્યારે તળેલા બટાટા કે બટાટાની અન્ય સાથે તળેલી બનાવટો દુષ્પાચ્ય બની જાય છે. શેકેલો અને બાફેલા બટાટાનો ઉપયોગ સૌથી ઉત્તમ છે. બટાટા સારી રીતે ધોયા પછી, છાલ સાથે બાફવા અને છાલ સાથે જ. શાકમાં વાપરવા. બટાટા આખા જ બાફવા, તેના ટુકડા કરી તે બાફવાથી, તેની અંદરના ખનિજ દ્રવ્યો (મિનરલ્સ) પાણીમાં જતાં રહે છે. અને છાલ ઉતારી લેવાથી મહત્વના વિટામિનનો નાશ થાય છે. બટાટાને બાફતી વખતે પાણી ખૂબ થોડું રાખવું અને આ પાણીનો જ રસો-ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરવો. જેથી પાણીમાં દ્રવ્ય થઈ ગયેલાં ખનિજો અને વિટામિનોનો ઉપયોગ થઈ શકે.
આહારમાં આરોગ્યની ર્દષ્ટિએ બટાટાનું વિશેષ મહત્વ તેમાં રહેલાં કાર્બોહાઇડ્રેટ, ખનિજો અને વિટામીનોને આભારી છે. આહારમાં બટાટા શાકાહારીઓની અપેક્ષાએ માંસાહારીઓને માટે વધારે જરૂરી છે. કારણ કે માંસમાં કાર્બોહાઇડ્રેટ અને વિટામીનની ઉણપ રહે છે. જ્યારે શાકાહારીઓનાં અન્ય આહારમાં આ તત્વો સારા પ્રમાણમાં રહેલાં છે.
જે લોકોનું વજન વધારે છે, તેમણે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, તળેલા બટાટાનો કોઈ પણ રીતે કરેલા પ્રયોગ વજન વધારનાર છે. બાફેલા બટાટા ખાસ વજન વધારતા નથી. તેથી આહારમાં તળેલા બટાટાની ચિપ્સ, વેફર જેવી બનાવટોનો યથાશક્ય પ્રયોગ ટાળવો જોઈએ.
બટાટામાં વિટામિન એ, બી અને સીની માત્રા ઠીક ઠીક પ્રમાણમાં રહેલી છે. આરોગ્યની ર્દષ્ટિએ ઘઉં અને બટાટામાં વિટામિનો લગભગ સરખી માત્રામાં રહેલાં છે. આ ઉપરાંત તેમાંથી ક્લોરીન, તાંબુ, ગંધક, લોહ અને આયોડીન પણ યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. તેમાં બીજા શાકભાજીની સરખામણીએ પૌષ્ટિક તત્વો અને વિટામિન વધારે રહેલા છે. વિટામિન, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ જેવાં તત્વો તેની છાલમાં રહેલાં છે. તેથી બાફેલાં બટાટાની છાલ ઉતારવી એ તેની પૌષ્ટિકતા ઉતારવા બરાબર છે.
જો બટાટા મૂત્રપિંડ – કિડનીના રોગો, હ્રદયરોગો, લિવરના રોગો અને જલોદરમાં વિભિન્ન રીતે પ્રયોજાય તો ઘણાં લાભદાયી છે. જો પથરી થઈ હોય તો કળથી સાથે બટાટાનો દિર્ઘકાલીન ઉપયોગ ઉત્તમ પરિણામ આપે છે. જો કે આયુર્વેદમાં કળથીને સ્પષ્ટ કરીતે ઉત્તમ પથરીનાશક ઔષધદ્રવ્ય ગણાવાયુ છે. પણ અહીં કળથીની સાથે બટાટા સહાયક ઔષધ બને તો સારું પરિણામ મળે છે. બટાટા સ્વભાવે શીતળ – ઠંડા છે. તળેલા બટાટા કબજીયાત કરે છે. અને શેકેલા કે છાલવાળા બટાટા કબજીયાત કરતાં નથી.
થાઈરોઈડ ગ્રંથિગળામાં રહેલી હોય છે. આ ગ્રંથિની વૃદ્ધિમાં તાંદળજો અને બટાટાનું મિશ્ર શાક સારું પરિણામ આપે છે. ખાતા શીખતા નાના બાળકોને શેકેલા બટાટા આપવા વધારે હિતાવહ ગણાવાયા છે. એક નિષ્ણાંત વિદ્વાને તો એમ જ જણાવ્યું છે કે, નબળા બાળકોને માટે દુધ, ખાંડ અને બટાટાનો સૂપ અતિ ઉત્તમ પૌષ્ટિક આહાર છે.
આ રીતે સર્વને પ્રિય બટાટા જો યોગ્ય રીતે પ્રયોજવામાં આવે તો ઉત્તમ આહાર અને ઉત્તમ ઔષધ બની રહે છે.
આપણા સમાજમાં બટાટા વિષે અનેક ભ્રામક ધારણાઓ પ્રવર્તે છે. છતાં પણ બટાટા કંદ શાકોમાં જ નહીં પરંતુ સમગ્ર શાક વર્ગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કારણ કે તે પૌષ્ટિક, રુધિર વધારનાર, દરેક ઋતુમાં પ્રાપ્ય અને અન્ય શાકભાજી સાથે મિલનસાર સ્વભાવ ધરાવે છે. આ ગુણોને લીધે જ શાક વર્ગમાં તેનું વિશેષ મહત્વ છે. યોગ્ય રીતે જો પ્રયોજવામાં આવે તો બટાટા એ ઉત્તમ આરોગ્યપ્રદ આહારદ્રવ્ય બની રહે છે.