જાણો એક ઐતિહાસિક શહેરનેઃ જામનગર

જામનગર એક વિશિષ્‍ટ શહેર છે. ઐતિહાસિક, અર્વાચીન તેમજ શૈક્ષણિક કેન્‍દ્ર. જામ રાવળે કચ્‍છ છોડીને ઈ. સ. ૧૫૪૦માં જામનગર શહેર વસાવેલું. ત્‍યાર પછી લગભગ ૪૦૦ વર્ષ સુધી આ શહેર સૌરાષ્‍ટ્રના મોટા ને સમૃદ્ધ રાજ્ય ‘નવાનગર સ્‍ટેટ‘નું મુખ્‍ય શહેર બની રહ્યું. જામનગર ઐતિહાસિક શહેર છે. એની ચારે બાજુએ કોટ અને દરવાજા હતા. આ શહેરનો ઈતિહાસ રોમાંચક કથાઓ ને યુદ્ધગાથાઓથી ભરપૂર છે. અહીંના જાડેજાએ ઘણી પરાક્રમકથાઓ આલેખી છે. શહેર વચ્‍ચેના તળાવમાં આવેલો ‘લાખોટા‘ મહેલ જો કહી શકે તો વીરતા અને વેરની, પ્રેમ અને પરાક્રમોની, જામ રાજાઓ ને દીવાનોની અનેક રંગીન ને રોમાંચક કથાઓ કહી શકે.
આજે તો જામ રણજિતસિંહના શાસનકાળ દરમ્‍યાન ઈ. સ. ૧૯૧૪માં – નગર આયોજન હેઠળ પુનઃરચના પામેલું આ નગર એના કેન્‍દ્રભાગમાં એના રસ્‍તાઓ, બજારો અને ચોક તથા મકાનોની બાંધણીમાં સંમિશ્રણના વિચિત્ર ભાવો પેદા કરે છે.
‘સૌરાષ્‍ટ્રનું પેરિસ‘ કહેવાતા આ નગરના સીધા વ્‍યવસ્થિત માર્ગો, આલીશાન ઈમારતો, ઐતિહાસિક નિવાસો એના એક વખતના ગૌરવનું સ્‍મરણ કરાવે છે. શહેરની અંદરનાં ને આસપાસનાં અનેક મંદિરોને કારણે અહીંની સંસ્‍કૃત પાઠશાળાઓને કારણે એક વખત જામનગર ‘છોટે કાશી‘ કહેવાતું. આદિત્‍યરામજી જેવા સંગીતકાર અને આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી અહીં વસેલા તે તો દંતકથાના પાત્ર જેવા થઈ ગયા છે. તેમણે સ્‍થાપેલી રસાયણશાળાઓ પછી તો આજની સુવિખ્‍યાત ‘ઝંડુ ફાર્મસી‘નું રૂપ ધારણ કર્યું.
જામનગર મહત્‍વનું શૈક્ષણિક કેન્‍દ્ર પણ છે. આયુર્વેદિક યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, વિનયન વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો, મેડિકલ કૉલેજ, પોલિટેકનિક, આઈ.ટી.આઈ. તેમજ લશ્‍કરની ત્રણે પાંખોની અહીં તાલીમશાળા છે. જામનગરની આસપાસ નવા ઉદ્યોગો તો વિકસે છે જ.
ગામ વચ્‍ચે સરસ તળાવ છે – રણમલ તળાવ. તેની વચ્‍ચે કિલ્‍લા જેવો વિશિષ્‍ટ બાંધણીનો લાખોટા મહેલ છે. તેની રચના જ એવી છે કે કિલ્‍લામાંના માત્ર હજાર સૈનિકો બહારના મોટા શત્રુ સૈન્‍યને ખાળી-હંફાવી શકતા. અત્‍યારે આ મહેલમાં સંગ્રહસ્‍થાન છે. તેમાં સૌરાષ્‍ટ્રનાં શિલ્‍પસ્‍થાપત્‍યોના સુંદર નમૂનાઓ છે. આ મહેલમાં એક એવો વિશિષ્‍ટ રીતે બાંધેલો કૂવો છે જેમાંથી જમીનમાં પાડેલા એક કાણામાંથી ફૂંક મારીને પાણી બહાર લાવી શકાય છે. મહેલની ‍દીવાલો પર કેટલાંક જૂનાં ચિત્રો પણ છે. તળાવને કિનારે ‘કોઠા‘ તરીકે ઓળખાતો શસ્‍ત્રભંડાર છે, નજીકમાં માછલીઘર છે.
જામનગરનો ખંભાળિયો દરવાજો શિલ્‍પસ્‍થાપત્‍ય-ખચિત અને સુંદર છે. વિભા-વિલાસ અને પ્રતાપવિલાસ મહેલો પણ છે. અનેક મંદિરો-માતાનાં-શિવનાં તેમજ જૈન મંદિરો છે. અહીં કબીર સંપ્રદાયનું ખૂબ જ વિશાળ મંદિર છે. ખાસ નોંધપાત્ર છે આયુર્વેદ યુનિવર્સિટી જેનું જામનગર મુખ્‍ય કેન્‍દ્ર છે અને તેમાં સંશોધન કેન્‍દ્ર પણ છે. ઉપરાંત સૌર-ચિકિત્‍સા માટે વર્ષો પહેલાં જામસાહેબે બંધાવેલું સૂર્યની ગતિ મુજબ ફરતું સોલેરિયમ આ શહેરનું મોટું આકર્ષણ છે. તેમાં સૂર્યના કિરણો દ્વારા દર્દોના ઉપચાર કરવામાં આવે છે.
જામનગરનું દેશભરનું જાણીતું અનોખું સ્‍થાન છે માણેકબાઈ મુક્તિધામ – શહેરનું સ્‍મશાન. સ્‍મશાન પણ કેવું સુંદર અને શાંત તેમજ સાત્વિક ભાવ જગાડે તેવું હોઈ શકે તેનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. આ સ્‍મશાનભૂમિમાં બગીચો છે, પુસ્‍તકાલયો છે ને બગીચામાં ઐતિહાસિક મહાપુરુષો-સંતો-દેવ-દેવીઓ વગેરેની લગભગ સો જેટલી પ્રતિમાઓ છે. સ્‍તંભો પર ઉપદેશો-સ્‍તોત્રો તથા ભજનો કોતરેલાં છે. વિશ્રામની સવલત છે. સ્‍મશાન તરીકે મુક્તિધામ અનોખું અને અનન્‍ય છે. મૃત્‍યુની ભયાનકતા અહીં ઓસરે છે ને તેનું સાત્વિક મંગલ સ્‍વરૂપ જ અહીં પ્રગટ થાય છે.
જામનગરની એક પાસ રણજીતસાગર છે. ખાસ બંધ બાંધીને કરેલું આ સરોવર સુંદર ઉપરાંત પાણી-પુરવઠા માટે મહત્‍વનું છે, તો બીજી પાસ બેડીબંદર છે બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્‍વનું મથક છે. નજીકના બાલાચડીમાં સૈનિકશાળા છે.
રમતવીરોને વિકસાવનાર આ શહેરે મહત્‍વનો ફાળો આપ્‍યો છે. આઝાદી આવતાં જ જે રાજવીઓએ નવભારતના નિર્માણમાં અમૂલ્‍ય સહકાર આપ્‍યો તેમાં જામસાહેબ મોખરે હતા. ભારતનાં દેશી રજવાડાંઓના રાજકારણમાં અને અંતે તેમના વિલીનીકરણમાં જામસાહેબની કામગીરી મહત્‍વની હતી. સૌરાષ્‍ટ્ર રાજયની સ્‍થાપનામાં ને સોમનાથના મંદિરના નવનિર્માણમાં પણ તેમણે ખૂબ મહત્‍વનો ફાળો આપ્‍યો છે. આ ઉપરાંત લશ્કરના ક્ષેત્રે જેમણે પોતાનું આગવું વ્‍યક્તિત્‍વ દેશને સમર્પિ‍‍ત કર્યું હતું તેવા મેજર જનરલ રાજેન્‍દ્રસિંહજી જામનગરના જ હતા.
દ્વારકા જતાં આવે નજીકનો (ગણેશ) નાગેશ્વર-ગોપીતળાવ? તથા આ વિસ્‍તાર દારૂકાવન તરીકે ઓળખાતો. તેમાં આવેલું ‘નાગેશ્વર‘નું શિવમંદિર અત્‍યંત મહત્‍વનું છે, કારણ કે શિવનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક આ છે – ‘ગણેશ દારૂકાવને‘.
જામસાહેબ રણજિતસિંહજી
રમતવીરોને વિકસાવનાર આ શહેરને આજના યુવાનો તો કદાચ યાદ કરે છે વિશ્વવિખ્‍યાત ક્રિકેટવીર જામસાહેબ રણજિતસિંહના નામથી. તેમના નામે આજેય રણજી ટ્રોફી મેચ રમાય છે – જે રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં ખેલાડીના પ્રવેશ માટેનું દ્વાર પણ છે. રણજીના નામે ‘રણજી ટ્રોફી પણ આપવામાં આવે છે.‘

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors