એક ધનવાન પિતા-પુત્રને ચિત્રકળા પ્રત્યે બહુ જ લગાવ હતો. એટલે તેઓ આખી દુનિયામાં ફરી-ફરીને ખ્યાતનામ પેઈન્ટરોનાં ચિત્રો ખરીદી લાવતા. એક વાર પુત્રએ માતૃભૂમિની રક્ષા કાજે યુદ્ધના મેદાન પર જવું પડ્યું. તે ગયો તે ગયો પાછો ફરીને આવ્યો જ નહીં. માત્ર તેના અવસાનના સમાચાર આવ્યા. હવે તેના પિતા દુનિયામાં એકલા થઈ ગયા. તેમના માટે આખોય કલાસંગ્રહ નકામો થઈ ગયો. એક દિવસ તેમના દીકરાનો એક મિત્ર ઘરે આવ્યો. તે પોતાના દોસ્તનું પોટ્રેટ બનાવીને તેના પિતાને ભેટ આપવા માટે લાવ્યો હતો. તે પોટ્રેટ મિત્રની યાદમાં તેણે જાતે જ બનાવ્યું હતું.
દીકરાનું પોટ્રેટ જોઈને પિતાને લાગ્યું કે તેમનો દીકરો પાછો આવી ગયો છે. થોડા સમય પછી પિતાનું પણ નિધન થઈ ગયું. તેમની વસિયત અનુસાર તેમના કલાસંગ્રહની હરાજી થઈ રહી હતી. લોકો મહાન ચિત્રકારોની કૃતિઓ ખરીદવા માટે ઉત્સુક હતા, પણ હરાજી શરૂ થઈ તેમના દીકરાના પોટ્રેટથી, પરંતુ તેને ખરીદવા કોઈ તૈયાર નહોતું. બધા પિકાસો, વાન ગોગ વગેરેની કૃતિઓ ખરીદવા માગતા હતા. આખરે પિતાના એક મિત્રએ માત્ર ૫૦૦ રૂપિયામાં તે પોટ્રેટ ખરીદી લીધું.
પછી લોકો સજાગ થઈ ગયા. બધાને લાગ્યું કે હવે જગવિખ્યાત કૃતિઓની હરાજી શરૂ થશે, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે હરાજી પૂર્ણ થયાની જાહેરાત કરી દેવામાં આવી. લોકોએ જ્યારે બહુ દેકારો કર્યો ત્યારે હરાજીકર્તાએ જાહેરાત કરી કે વસિયત અનુસાર જે વ્યક્તિ તેના દીકરાનું પોટ્રેટ ખરીદે તેને બાકીની તમામ કૃતિઓ મફતમા આપી દેવી.
બોધ
પિતા માટે સૌથી કીમતી હોય છે તેમનું સંતાન. સંતાનની પ્રગતિ માટે, રક્ષા માટે માનસન્માન માટે પિતા કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે.