જાણો ઓષધિને– ભાંગરો
પરિચય :
ખાસ કરીને વાળના તેલમાં પ્રચૂરપણે વપરાતો ભાંગરો (ભૃંગરાજ, ભાંગરા) નદી, તળાવ કાંઠે કે ભીની જમીનમાં થનારો બહુ નાનો વર્ષાયુ છોડ છે. ચોમાસામાં તે સર્વત્ર ઊગી નીકળે છે. તેની કાળી, ધોળી અને પીળી એમ ત્રણ જાતો છે. કાળો ભાંગરો ખૂબ જૂજ જોવા મળે છે, સફેદ ભાંગરો વધુ મળે છે. તેમાં ધોળો તથા કાળો ભાંગરો જમીન ઉપર ૧-૨ વેંત ઊંચો થાય છે. પીળો ભાંગરો જમીન ઉપર પ્રસરે છે. તેને બારીક ૧ થી ૪ ઈંચ લાંબા, અર્ધા થી દોઢ ઈંચ પહોળાં, સામસામે આવેલાં, લંબગોળ, ભાલાકાર, અખંડ કે દાંતાવાળા, અણીદાર, ઘેરા લીલા રંગનાં પાન આવે છે. પાનને હાથમાં લઈ મસળતાં તેનો રસ શરૂમાં લીલો હોય છે. રસ સૂકાતાં ત્યાં કાળો રંગ થાય છે. પાન સ્વાદે તીખા તૂરા અને કડવાં હોય છે. જાત મુજબ પીળા, સફેદ કે કાળાં ફૂલો થાય છે. ફૂલમાં કંઈક કાળા કે પીળા રંગના ચપટાં, ઝીણાં બી હોય છે. ગુણમાં કાળો ભાંગરો શ્રેષ્ઠ છે.
ગુણધર્મો :
ભાંગરો સ્વાદે તીખો – તીક્ષ્ણ, કડવો, રુક્ષ, ઉષ્ણ(ગરમ), કફવાતહર,વાળને ગુણકારી, સફેદ વાળ કાળા કરનાર, રસાયન, બળવર્ધક, આંખ ચામડી તથા દાંત માટે સારો, મેધાકારક અને કફ, સોજો, વિષ, અતિ વાસના(કામ), અંડવૃદ્ધિ, શિરોરોગ, નેત્રરોગ, વાયુ, ઉધરસ, દમ, કોઢ, કૃમિ, આમદોષ, પાંડુ, હ્રદયરોગ અને ત્વચારોગ નાશક છે. કાળો ભાંગરો વાળ કાળા કરવા વધુ ઉત્તમ, ગરમ, તીક્ષ્ણ, તીખો અને રસાયન છે. તે કૃમિ, વાયુ અને કફનો ખાસ નાશ કરે છે. તે યકૃત પ્લીહાવૃદ્ધિ, ઉદરરોગ, નાશક છે.