જાણો સુકામેવાનેઃઅખરોટ
અખરોટનાં સૂકાં ફળ કદમાં લીંબુ જેવડાં મોટાં હોય છે. તેની ઉપરનું કોચલું લાકડા જેવું એકદમ સખ્ત હોય છે. જે બે ભાગમાં વહેચાતા સળંગ સાંધાવાળું હોય છે. ઉપરનું કોચલું તોડતા અંદરથી કથ્થાઈ જેવા રંગનો મગજ જેવા અનિયમિત આકારનો મીઠો ગર્ભ (માવો) નીકળે છે. આ મગજની ઉપર પાતળી ફોતરી જેવું પડ હોય છે. એ દૂર કરતાં અંદર સફેદ-પીળા રંગનો મીઠો- રુચિકર ગર્ભ હોય છે. તેનો આ મગજ સૂકામેવા તરીકે ખવાય છે.
અખરોટનો મગજ (ગર્ભ) ખાડા – ટેકરાવાળો અને અનિયમિત હોય છે.
ગુણધર્મઃ
અખરોટનો મગજ (ગર્ભ, મીંજ) સ્વાદે મધુર, જરાક ખાટો, સ્નિગ્ધ, શીતળ, ઉષ્માપ્રદ, રુચિદાયક, ભારે, કફ તથા વીર્યવર્ધક, બળવર્ધક, વાયુ અને પિત્તદોષશામક, પ્રિય તથા ધાતુવૃધ્ધિકર છે. અખરોટ ક્ષય, હ્રદયરોગ, રક્તરોગ, રક્તવાત અને દાહનાશક છે. તે આમવાત અને વાતરોગોમાં પણ પથ્ય છે. અખરોટના બાકી ગુણો બદામ જેવા સમજવા.
ઔષધપ્રયોગો-
અડદિયો વા (ચહેરાનો લકવા):
અખરોટના તેલનું રોજ ચહેરા પર માલીસ કરવું.
વાયુની પીડાઃ
અખરોટના મગજને વાટી, પાણી નાખી ગરમ કરી, દુખાવા પર તેનો લેપ કરવો. પછી એક ઈંટ ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી, કપડાંમાં લપેટી, તે ઈંટ વડે દુખાવાની જગ્યાએ લેપ કરવાથી શીઘ્ર પીડા મટશે.
ગાંઠિયો વા (સંધિવા):
રોજ અખરોટનું સેવન કરવાથી રકતશુધ્ધિ થઈ દર્દ મટે છે.
સોજાઃ
અખરોટનું તેલ ૧૦ થી ૩૦ ગ્રામ જેટલું દરરોજ ગોમૂત્ર સાજે પીવાથી વાતદોષજન્ય આખા શરીરના સોજા મટે છે. તેલ ન મળે તો અખરોટના મગજના પાવડરને કાંજી સાથે વાટી ગરમ કરી સોજા પર લેપ કરવો.
ધાવણ વધારવાઃ
અખરોટનો પાવડર કરી, ઘઉંના રવામાં ભેળવી, તેને ઘીમાં શેકી, દૂધ અને ખાંડ નાખી શીરો બનાવી રોજ ખાવાથી માતાને ધાવણ વધે અથવા અખરોટનાં પાન ચૂર્ણ અને ઘઉંના રવાની ઘીમાં પુરી બનાવી ખાવી.