બાળકો અધીર બનીને કંઇક પૂછે ત્યારે ‘ચૂપ રહે’ કહીને તેમને ચૂપ કરવાં જોઇએ નહીં. આમાં માતા – પિતાની જીત નથી, હાર છે.
બાળકોની જીજ્ઞાસાઓને સંતોષવાની માતા – પિતાની ફરજ છે.
બાળકોને ઉછળવા દો, કૂદવા દો, ભાવનાઓ વ્યકત કરવાની જગ્યા આપો.
બુદ્ધિનો આંક વધુ હોય અથવા સમજણશકિત વધુ હોય તેવાં બાળકોને પણ અમુક બાબતો સમજતાં સમય લાગે છે. તેથી વારંવાર ‘બુદ્ધુ’ , ‘મૂર્ખ’ કહીને તેમના મનને ઠેસ કયારેય ન પહોચાડીએ.
તેમની ભાવનાઓ, આકાક્ષાંઓ, સમસ્યાઓને સમજી લઇએ અને તેમની જ ભાષામાં જવાબો આપીએ.
તેમની સાથે મિત્રતા કેળવીએ અને મોટા-નાના વચ્ચેની અભેદ્ય દીવાલને તોડી નાખીએ.
બિનજરૂરી ચર્ચા કે વિવાદોમાં ઊતર્યા વિના તેમને વાસ્તવિકતાથી પરિચિત કરીએ. સમય અને શકિત બાળકોમાં વધારે હોવાથી તે આપણને જરૂર હરાવી દેશે. તેમને વિશ્ર્વાસમાં લઇ પોતાનાં બનાવી દો.
માતા – પિતા બનીને જે વાત સમજાવવી અઘરી લાગશે તે જ વાત ‘મિત્ર’ બનીને સમજાવતાં વાર નહીં લાગે. અજમાવી જોઇએ.
બાળકોને આપણાથી હારી ગયાનો અનુભવ ન કરાવીએ. આથી તેમનામાં વેરવૃતિ, અન્ય વિરુદ્ધ અભિપ્રાયો, હતાશા વગેરે જન્મ લેશે. સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન હેઠળ તેમને પ્રેમ અને હૂંફ આપીએ.
તેમની ક્ષમતાઓ ઓછી ન આંકીએ. તેમનામાં વિશ્ર્વાસ મૂકીએ અને તેમને મુકતપણે કાર્ય કરવા દઇએ.
તેમને લાગુ પડતી બાબતોમાં તેમનાં મંતવ્યો લઇએ. તેમનાં સૂચનો પણ લઇએ.
એક વિચારશીલ અને પરિસ્થિતિ અનુકૂળ થઇને ચાલનાર બાળક આપણને પ્રાપ્ત થશે.