બળ, પુષ્ટિ, વીર્ય અને ધાવણવર્ધક – ભોંયકોળું, વિદારી કંદ
પરિચય :
ગુજરાતમાં અંબાજીના પહાડોમાં ખાસ થતા ભોંયકોળા, વિદારીકંદ (વિદારીકંદ, બિલાઈ કંદ) ખાખરવેલ અથવા ફગડાના વેલા તરીકે પણ જાણીતી વનસ્પતિ વેલા સ્વરૂપની છે. તેની બે જાતો છે. સાદુ અને બીનું દૂધીયું ભોંયકોળું (દક્ષીરવિદારી કંદી) તેની બહુવર્ષાયુ, બહુ મજબૂત અને ૨૦ થી ૪૦ ફૂટ લાંબી વેલ જમીન ઉપર પ્રસરે છે. તેનાં પાન એકાંતર, લાંબાં ડીંટડાનાં, હથેળી જેવડાં અને ભાંગેલ પાંચ પાંખડીઓનાં થાય છે. દરેક ખંડ ૩ થી ૬ ઈંચ લાંબો હોય છે. પાન સુવાળા અને સળંગ કિનારીવાળા હોય છે. એને ચોમાસામાં પાંદડાના ખાંચામાંથી મોટા ઝૂમખાદાર, ઘેરા રાતા કે જાંબુડી રંગના, નાનાં પતંગિયા જેવા પુષ્પો થાય છે, ભોંય કોળાના કંદ જમીનની અંદર મૂળમાં થાય છે. તે રાખોડી કે મેલા પીળા રંગના અને સૂરણની ગાંઠો જેવા હોય છે. સાદા ભોંયકોળાનાં પાન ત્રિદલ હોય છે. કંદ કાપતાં તેમાંથી જરા સફેદ અને ચીકણો રસ તથા પાણી બહુ જ નીકળે છે. વેલા પર ૧ થી ૩ ઈંચ લાંબી, જરા પહોળી, કૌંચાની શીંગ જેવી ફળી થાય છે. જેમાં ૨ થી ૬ બીજ હોય છે.
ગુણધર્મો :
સાદુ ભોંયકોળું મધુર, શીતળ, ભારે, સ્નિગ્ધ, વીર્યવર્ધક, બળપુષ્ટિકર્તા, કફકારક, ધાવણવર્ધક, રસાયન, મૂત્રલ, કંઠ માટે હિતકર અને ગર્ભપ્રદ છે. તે ભોંયકોળું મધુર, ખાટું, તૂરું અને તીખું, વૃષ્ય, વીર્યવર્ધક, પૌષ્ટિક, સ્તન્યવર્ધક, શીતળ, રસાયન, બલકર, મૂત્ર ખૂબ લાવનાર, કફકર્તા, સ્નિગ્ધ, ભારે રંગ ઉજળો કર્તા તથા સ્વર્ય છે. (ગાંધીને ત્યાં વિદારીકંદ અશ્વગંધાની જેમ વેચાય છે.)
ઔષધિ પ્રયોગ :
(૧) બળ, વીર્ય અને પુષ્ટિ માટે : વિદારીકંદનું ચૂર્ણ રોજ ઘી અને સાકર સાથે કે ખાંડવાળા દૂધ સાથે ૫-૫ ગ્રામ જેટલું સવાર-સાંજ લેવું.
(૨) દૂઝતા હરસ : ભોંયકોળા તથા તલનું ચૂર્ણ ઘી અને મધ સાથે રોજ બે વાર લેવું.
(૩) ધાવણ વધારવા : ભોંયકોળા, જીરુ અને ચોખાનું ચૂર્ણ રોજ મીઠા દૂધમાં ૧૦ ગ્રામ જેટલું નાંખી સવાર-સાંજ પીવું.
(૪) ભસ્મક (અતિશય ભૂખનો રોગ) : ભોંયકોળાનો રસ, દૂધ અને ઘી અને સાકર મેળવી રોજ ૨-૩ વાર પાવું. ઉપરથી કેળા ખવડાવવા.
(૫) દૂબળા-પાતળાને જાડા કરવા : ભોંયકોળું, ઘઉંનો લોટ અને જવનો લોટ સમભાગે લઈ, તેને ઘીમાં શેકી, દૂધ તથા સાકર નાંખી ચાટણ જેવું કરી રોજ ખાવું.
(૬) ધાતુ પુષ્ટિ માટે : ભોંયકોળાંના ચૂર્ણને તેના જ સ્વરસની ૨-૩ ભાવના આપી તેનું ચૂર્ણ ઘી અને મધમાં રોજ આપવું.
(૭) મૂત્રકૃચ્છ (પેશાબની અટકાયત) : ભોંયકોળુ, ગોખરુ, જેઠીમધ અને નાગકેસર એ ઔષધો સમભાગે લઈ, તેનો કાઢો કરી, મધ નાંખી સવાર-સાંજ પાવો.
(૮) વાજીકરણ (મૈથુન શક્તિ વધારવા) : વિદારીકંદના ચૂર્ણને વિદારીકંદના જ રસની ૨૧ ભાવના (પુટ) આપી, સુકવીને ચૂર્ણ બનાવી લો. તે ચૂર્ણ રોજ ૧ ચમચી ઘી અને ૨ ચમચી મધ સાથે ચાટવાથી પુરુષમાં ઘોડા જેવી મૈથુન શક્તિ આવે.
(૯) પિત્તજશૂળ : ગરમીના શૂળમાં વિદારીકંદનો રસ કે ઉકાળો કરી, તેમાં ઘી અને સાકર મેળવી પી જવું.
(૧૦) અતિ રક્તસ્ત્રાવ : વિદારીકંદનું ચૂર્ણ અને આમળાનું ચૂર્ણ પાણી, દૂધ કે ઘી સાથે ખવરાવવાથી તુરત રક્તસ્ત્રાવ બંધ થાય.