નાગરવેલનું પાન
પાન એટલે નાગરવેલનું પાન. જેને તાંબૂલ પણ કહે છે.
પાન સ્વાદે તીખું, કડવું અને તૂરું છે. તાસીરે ગરમ, સ્વભાવે લૂખું, પચવામાં હલકું, અગ્નિદીપક અને આહારપાચક, વાત કફનાશક અને પિત્તકર છે. તેની શિરાને બુદ્ધિવિનાશિની કહે છે તેથી કાઢી નાખવામાં આવે છે.
પાન વીર્યવર્ધક, કામોદ્દીપક, રોચક અને કાંતિવર્ધક છે. પાન દુર્ગંધનાશક અને ઉત્તમ જંતુધ્ન છે. તેથી જમ્યા પછી ખાવાથી મુખશુદ્ધિ થાય છે અને ખોરાક પચે છે. તે શરદી, સળેખમ, ઉધરસ, શ્વાસ, અવાજ બેસી જવો, પાચન મંદ પડી ગયું હોય તો ઉપયોગી છે.
પાનના ડીંટાને શરીરના બહારના મસા ઉપર ઘસવાથી તે સુકાઈ જાય છે.
પાનના રસમાં મધ મેળવી આપવાથી શરદી-સળેખમ-સસણી મટે છે.
બાળકને છાતીમાં કફનો ભરાવો હોય તો છાતીએ પાન મૂકી શેક કરવો.
પાન અને લવિંગને પાણીમાં ખૂબ ઉકાળી, ચોળી, ગાળીને પાવાથી કફના રોગો મટે છે. બાળકોને તે ખાસ લાભ કરે છે.
કામોત્તેજક દવાઓ ઉપર પાનનું સેવન કરવું.
પારાવાળી દવા પાવાથી આડઅસર થઈ હોય તો નાગરવેલના પાનના રસનું સેવન કરવું.