સફેદ વાળને રંગ આપનારી ઠંડકકર્તા – મેંદી
પરિચય :
ગુજરાત-રાજસ્થાનમાં બાગ-બગીચાની વાડો કરવામાં મેંદી (મદયંતિકા, મોદિકા, મેંદી / મહેંદી)ના છોડ ખાસ વવાય છે. ગુજરાત તથા ઉત્તર ભારતમાં સ્ત્રીઓ પોતાના હાથે-પગે મેંદીની ડિઝાઇનો કરાવે છે. અકાળે સફેદ થયેલા વાળને રંગ આપવા મેંદી ખાસ વપરાય છે. મેંદીના છોડ-ઝાડી જેવા ૪ થી ૮ ફૂટ ઊંચા થાય છે. તેની ડાળીઓ પાતળી, ગોળ, સીધી, લાંબી લાકડી જેવી થાય છે. તેની નાની નવી ડાળીની અણી કાંટા જેવી તીક્ષ્ણ હોય છે. પાન – મીંઢી આવળનાં પાન જેવા લાલ કિનારીના નાનાં, અંડાકૃતિ; સામસામે, ચીકણાં, ચળકતા લીલા રંગનાં અર્ધાથી દોઢ ઇંચના પકોળા અને વચ્ચેની નસ સ્પષ્ટ દેખાય તેવા હોય છે. તેના પર નાના સફેદ, ખુશ્બુદાર અને કેરીનાં પુષ્પોની જેમ ઝૂમખામાં ફૂલ આવે છે. ફૂલમાંથી હીનાનું અત્તર બને છે. તેની પર કાળા મરી જેવા કદમાં નવા હોય ત્યારે લીલા કે જાંબલી રંગના, ગોળ, ચીકણાં ફલ (બી) ઝૂમખામાં થાય છે. જે પાકે ત્યારે લાલ રંગના થાય છે. તેનાં પાન, છાલ, પુષ્પ અને બી દવામાં વપરાય છે. કેટલાક અપ્રમાણિક વેપારી મેંદીના બીને ‘નાગકેસર‘ કહી ગ્રાહકને આપે છે.
ગુણધર્મો :
મેંદી તૂરી, કડવી, તીખી; ગુણમાં ઠંડી અને વાયુ-કફ નાશક છે. તેનાં પાનનો રસ વધુ પીવાય તો ઊલટી કરનારી; દાહ, કોઢ અને કફ નાશક છે. તે સફેદ ડાઘ મટાડનાર છે. પાન સફેદ વાળને તપખીરી કે કાળો રંગ આપે છે. તેના ફૂલ ઉત્તેજક અને હ્રદય તથા મજ્જાતંતુને બળ દેનાર છે. તેનાં બી મળ અટકાવનાર, તાવનાશક, ઠંડા અને ગાંડપણમાં લાભ કરે છે. તે મૂત્રલ તથા ત્વચારોગહર છે.
ઔષધિ પ્રયોગ :
મેંદી દ્વારા બહેનો હાથ-પગ પર વિવિધ ડિઝાઇનો કરી શ્રૃંગાર કરે છે.
(૧) ગરમીથી? અંગદાહ : મેંદીના પાન પાણીમાં વાટીને દાહ પર લગાવવાથી પરમ શાંતિ – ઠંડક? થાય છે.
(૨) સફેદ વાળ રંગવા : મેંદીના પાન તથા ગળી (નીલ) વનસ્પતિનાં પાનનું ચૂર્ણ પાણીમાં વાટી, સફેદ વાળ પર રાતે લગાવી, સવારે માથું ધોઈ લેવાથી વાળ તપખીરી કે કાળા રંગના થશે.
(૩) નેત્રદાહ – પીડા : મેંદીનાં પાન, વાટી, ચટણીની થેપલી બંધ આંખો પર ૩૦ થી ૪૦ મિનિટ મૂકવી.
(૪) ગરમીથી મસ્તક પીડા : મેંદીના ફૂલ કે પાન સરકા સાથે વાટી કપાળે લેપ કરવો. (મેંદીનાં બીનું ચૂર્ણ સાકર તથા ઘી સાથે લેવું.
(૫) અનિંદ્રા : મેંદીના ફૂલોથી તકિયો ભરી, તે માથા નીચે રાખી સૂવું તથા મેંદી – આમળા – ભાંગરાથી બનેલું કેશતેલ માથામાં ઘસવું.
(૬) ગરમીના ચક્કર – અંધારા : મેંદીના બીનું ચૂર્ણ ૫ ગ્રામ સાકર સાથે પાણીમાં લેવું. તેની ઉપર ઘઉંની રોટલી પર ખાંડ અને ઘી ચોપડી ખાવાથી લાભ થશે.
(૭) મુખની અંદરનાં છાલા : મેંદીના પાન પાણીમાં ૫-૬ કલાક પલાળી, તે પાણીથી સવાર-સાંજ કોગળા કરવા.
(૮) નસકોરી ફૂટવી – દૂઝતા હરસ : મેંદીના પાન, જવ, ધાણા અને મુલતાની માટી કે સોનાગેરુ સમભાગે લઈ ચૂર્ણ બનાવી, સવાર-સાંજ ઘી અને સાકરમાં ચાટવું. તે જ ચૂર્ણ પાણીમાં કાલવી કપાળે લગાવવાથી નસકોરી બંધ થાય. ગુદાના હરસ પર લગાવવાથી લોહી પડતું બંધ થાય.
(૯) બરોળ વધવી : મેંદીની છાલ કે પાનનું ચૂર્ણ ૯૦ ગ્રામ, નવસાર ૧૫ ગ્રામ મેળવી શીશી ભરી લો, સવાર-સાંજ ૩ ગ્રામ દવા ગરમ પાણી સાથે થોડા સપ્તાહ લેવાથી બરોળમાં લાભ થશે.
(૧૦) કમળા માટે : મેંદીના પાન ૧૦૦ ગ્રામમાં ૨૫ ગ્રામ સાજીખાર મેળવી, સવાર-સાંજ દવા ગોળમાં લેવાથી લાભ થશે.