પાચનતંત્ર માટે ઉપયોગી – સોપારી
મોટી અને વજનદાર સોપારી ગુણમાં ઉત્તમ છે. સડેલી, ખોરી, પોચી, ફોફી, હલકી, નાની સોપારી ખાવી નહિ. સોપારી સ્વાદે તૂરાશ પડતી મીઠી છે. તાસીરે તે ઠંડી છે, પચવામાં ભારે, અગ્નિદીપક, આહારપાચક, મળશોધક, વાતકર અને કફ- પિત્તનાશક છે. તે અવાજ અને પાચનતંત્ર માટે ઉપયોગી તથા પથ્ય છે.
સોપારીનો વધુ ઉપયોગ સારો નહિ. તે લોહીનું પાણી કરી નાખે છે અને શરીરે સોજા ઉત્પન્ન કરે છે. સોપારી ખાનારે ઘીનું અધિક સેવન કરવું જોઈએ.
માથાના દુઃખાવામાં સોપારી ઘસીને માથે ચોપડવી. સોપારીને બાળી તેની રાખ કરી ઊલટીમાં આપવાથી ઊલટી બંધ થાય છે. તેને તલના તેલમાં કાલવી ચામડીના રોગ ઉપર લગાવવાથી તે મટે છે.
ગાલપચોળિયામાં આમલીના ઠળિયા, ગૂગળ અને સોપારીને ગરમ પાણીમાં ઘૂંટીને તેનો લેપ કરવો.
સોપારીનાં ફૂલ મરડો અને ઝાડા મટાડે છે. સોપારી મોંની ચીકાશ, લોહી બગાડ, પેટ અને પાચનતંત્રની ગરબડ મટાડે છે.
ચીકણી સોપારી ત્રિદોષકર છે અને તેને યોનિમાં મૂકવાથી યોનિ સંકોચન કરે છે.