સુગંધ અને શીતળતા દેનાર વનસ્પતિ – વાળો
પરિચય :
સુગંધી વાળો કે ખસ (ગ્શીર, ખસ, ગાંડર કી જડ) એ વીરણ નામની બહુવર્ષાયુ ઘાસની જાતનાં મૂળ છે. વીરણના મૂળ હોઈ તે ‘વીરણવાળો‘ પણ કહેવાય છે. તેની સફેદ અને કાળી બે જાતો થાય છે. આ ઘાસ ૨ થી ૫ ફૂટ ઊંચું થાય છે. તેનાં મૂળ જમીનમાં બે ફૂટથી વધુ ઊંડે, વાળ જેવા તાંતણાવાળા અને મનમોહક મીઠી સુગંધવાળા થાય છે. દવામાં તે લાંબા વાળ જેવા તાંતણાવાળું મૂળ કામ લાગે છે. તેમાં ૧-૨ ફૂટ સીધા, લાંબા ઘાસ જેવા પાતળા થાય છે. તેની પ ફૂલની ચમરી લાંબી, ગુચ્છાદાર અને પાતળી શાખાઓવાળી થાય છે. આ ઘાસ નદી-નાળા કે તળાવ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યામાં વધુ થાય છે. આજ વાળાનાં હાથથી પવન ખાવાનાં પંખા તથા ખસની ટટ્ટીઓ (પડદા) બનાવાય છે. આપણે ત્યાં માથાનું તેલ બનાવવામાં તથા શીતળ ઔષધિઓ બનાવવામાં તે ખાસ વપરાય છે.
ગુણધર્મો :
વાળો – મધુર, કડવો, હળવો, શીતળ, ભૂખવર્ધક, પાચનકર્તા, સ્તંભનકર્તા, વાળને હિતકર તથા લૂખો છે. તે કફ-પિત્તશામક, બળવર્ધક; મગજ, હ્રદય અને નાડી સંસ્થાનને શાંતિ દેનાર; રક્ત શુદ્ધકર્તા, રક્તરોધક, કફ કાઢનાર, મૂત્રલ, વધુ પરસેવો અને દુર્ગંધનાશક, કટુપૌષ્ટિક અને તૃષા, પરસેવો, ઊલટી, દાહ, રતવા, વ્રણ (જખમ) કોઢ, ત્વચાનાં રોગ, મદ, મૂર્ચ્છા, ઝાડા, રક્તસ્ત્રાવ, ખાંસી, શ્વાસ, હેડકી, મૂત્રકૃચ્છ, શોષ તથા ગરમીનાં તમામ દર્દો ખાસ મટાડનાર છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ગરમીની નબળાઈ : વાળો, મોથ અને સૂકા ધાણાનો ઉકાળો કરી, તે ઠંડો કરી સાકર નાંખી પીવો. એકલો કાઢો અળાઈ પર ચોપડવો.
(૨) અંગદાહ : વાળો, ગુલાબપાન, (ષડ) કચોરાં અને સાકરનું ચૂર્ણ ચોખાના ધોવરામણમાં કે દૂધમાં આપવું.
(૩) ગરમી – શરદીના ઝાડા, દમ, ખાંસી અને ઊલટી : વાળાનું ચૂર્ણ સાકર અને મધ સાથે કે ચોખાના ધોવરામણમાં લેવું.
(૪) દાહ – બળતરા – લાલાશ : સુગંધી વાળો તથા ચંદન પાઉડર મિશ્ર કરી દૂધમાં કે પાણીમાં કાલવી લેપ કરવો.
(૫) પેશાબની અટકાયત : વાળો, શેરડીનાં મૂળ, ડાભ (દર્ભ) અને રતાંદળી (લાલ ચંદન)નો ઉકાળો કરી પીવો.
(૬) હ્રદયનું શૂળ : વાળો અને પીપરીમૂળ (ગંઠોડા)નું ચૂર્ણ દૂધ, મધ કે ગાયના ઘી સાથે આપવું.
(૭) રક્તપિત્ત (રક્ત-સ્ત્રાવ) : વાળાનો ઉકાળો કરી, ઠંડો કરી, તેમાં ચંદનચૂર્ણ અને સાકર નાંખી પીવો.
(૮) રતવા : વાળાના બારીક ચૂર્ણને જરા ઘીનું મોણ દઈ, તેને ગુલાબજળ સાથે વાટી, રતવા પર ચોપડવું.
(૯) ઊલટી : વાળાનું ચૂર્ણ ૨ થી ૩ ગ્રામ જેટલું ચોખાના ધોવાણ, મધ કે સાકરમાં લેવું.
(૧૦) ઉષીરાદિ ક્વાથ : ખસ, રક્ત ચંદન, મોથ, ગળો, સૂંઠ અને ધાણાનું આખું – પાખું ચૂર્ણ (ભૂકો) કરી લો. રોજ ૨૦ ગ્રામ ભૂકી ૩૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી, અર્ધા ભાગ રાખી, ગાળીને ઠંડુ કરી સાકર ઉમેરી સવાર-સાંજ પીવો. તેથી ભારે તરસ, ગરમી, હરસની પીડા, બળતરા, અંગદાહ, તરિયો તાવ ગરમીનાં દર્દો, રક્તસ્ત્રાવનાં દર્દો તથા નબળાઇ મટે છે.