તાસીરે ગરમ શિયાળુ ફલ બોર
શિયાળાનો આ સસ્તો મેવો ત્રણ પ્રકારનો હોય છે – અજમેરી બોર, સામાન્ય બોર અને ચણી બોર.
મોટા બોર સ્વાદે મીઠા, તૂરા અને ખાટા હોય છે. તાસીરે ગરમ પચવામાં ભારે, સહેજ ચીકણા, ઝાડાને સાફ લાવનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેને વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્ટ અને પથ્ય કહ્યાં છે. સામાન્ય બોર ભારે, ગ્રાહી, રોચક, ત્રિદોષ પ્રકોપક છે. ચણી બોર ખાટા તૂરા, થોડા મીઠા, ભારે, ચીકણા, વાત – પિત્તનાશક છે. હરસ, ઝાડા, અવાજ બેસી જવો, ખાંસી, ક્ષય, તરસ, લોહી બગાડ, મરડો, પ્રદર વગેરેમાં આ બોર સારા છે.
બોરના ઠળિયાની મીંજ ખાવાથી સૂકી ઉઘરસ મટી જાય છે.
દૂઝતા હરસમાં બોરડીના પાનની ઝીણી ચટણી જેવું કરી તેની લૂગદી કરી ગુદા ઉપર મૂકી લંગોટ પહેરવાથી હરસમાં પડતું લોહી અટકે છે. ઝાડામાં લોહી પડતું હોય તો બોરડીના મૂળની છાલનું ચૂર્ણ પાણી સાથે ફકાવવું.
સૂકા બોરની છાલનું ચૂર્ણ લેવાથી બહેનોનો પ્રદર રોગ મટે છે. બોરની છાલનો ઉકાળો ઘા, ચાંદાં, પાક ધોવા માટે ઉપયોગી છે. તેનાથી રૂઝ વહેલી આવે છે.
બોરનું શરબત લોહી બગાડ અને સૂકી ઉધરસ મટાડે છે. યુનાનીમાં તેનો ઉનાબ શરબત કહે છે.