તન-મનને તરબતર કરતાં તરબૂચ ઉનાળુ ફળ તરબૂચ – ટેટી
નદીના રેતાળ પ્રદેશમાં વાડા કરીને ઉગાડાતાં આ ઉનાળુ ફળો છે. ધોમધખતા તાપમાં તન-મનને આ બંને ફળો તરબતર કરે છે.
બંને ફળો સ્વાદે મીઠા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહજ ચીકાશયુક્ત, પેટ સાફ લાવનાર, પિત્તશામક, વાત-કફકર છે. વળી તેઓ મૂત્રલ હોઈ પેશાબ સાફ લાવે છે.
સાકર ટેટી સાકર જેવી મીઠી લાગે છે. તે ખરજવા માટે ખૂબ લાભ કર છે. ખરજવાના રોગીએ તેનું નિત્ય સેવન કરવું જોઈએ. બંને ફળો મૂત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે. પેશાબની બળતરા અને અટકી અટકીને આવતો પેશાબ આ ફળોના સેવનથી મટે છે.
વળી બંને ઠંડા હોઈ પિત્ત અને ગરમીના રોગો પણ મટાડે છે. બળતરા, તરસ, શોષ, શરીરનો જલીયાંશ ઘટી જવો વગેરેમાં આ ફળો લાભકર છે.
તરબૂચના બી પથરીમાં સારા છે. તેના મીંજ ખાઈ શકાય. તેનો ઉકાળો પી શકાય. જેથી પથરી નીકળી જાય છે. આ બીના મીંજને મગજતરીમાં નખાય છે. તે સ્વાદિષ્ટ અને બુદ્ધિવર્ધક હોય છે.
ટેટી અને કાચી કેરીનું છીણ કરી ભોજન સાથે લઈ શકાય. ટેટીના ટુકડા કરી તેમાં સાકર મેળવી તેનો પણો ખાઈ શકાય. બંને ફળો બપોરે નાસ્તામાં લઈ શકાય.