સીતાફળ – રામફળ
સીતા અને રામના નામવાચક આ ફળોમાં આપણે ત્યાં સીતાફળ વધુ પ્રચલિત છે. રામફળ જોવા ય મળતાં નથી.
સીતાફળમાં મોટા કાળા બી ફરતે રહેલો મીઠો, સ્વાદિષ્ટ ગલ ખાવાની મઝા આવે છે. સીતાફળ સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, ચીકાશયુક્ત, પિત્તશામક, વાત- વર્ધક અને રોચક છે. વળી તે પૌષ્ટિક, વીર્યવર્ધક, વાયડાં, તૃષાશામક અને ઊલટી રોકનાર છે.
સીતાફળ ખૂબ ઠંડા છે. તેથી તેનું મૂળ નામ સીતાફળ હશે તેમાંથી બદલાઈને સીતાફળ પડ્યું લાગે છે.
સીતાફળના બીજો ભૂકો કૃમિધ્ન છે. તે પશુઓના ઘા રૂઝવવા માટે ઘામાં ભરાય છે. માથામાં તેનું ચૂર્ણ ભરવાથી વાળની જૂ-લીખ નાશ પામે છે. સ્ત્રીઓને ગર્ભપાત કરાવવા પણ તે આપી શકાય, પરંતુ તે આંખને નુકસાન કરતાં હોઈ આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.
કાચા ફળનો ગર્ભ આપવાથી ઝાડા-મરડો મટે છે.
સીતાફળના પાનનો રસ કે ઉકાળો ડાયાબિટીસના રોગી માટે સારો છે. તેના પાનનો રસ નાકમાં પાડવાથી હિસ્ટીરિયા અને બેભાન અવસ્થામાંથી શુદ્ધિ આવે છે. સીતાફળના પાનની લૂગદી ઘા ઉપર બાંધવાથી ઘા રૂઝાય છે અને અંદરના કીડા મરી જાય છે.
રામફળ મીઠું, ખાટું, સ્વાદિષ્ટ, ઠંડું, ચીકણું, ભારે, વાત-કફકર, પિત્તશામક છે. તે બળતરા, થાક, તરસ, ભૂખ અને પિત્તના રોગોનો નાશ કરે છે.