તરસ-થાક દૂર કરનાર મોસંબી – નારંગી
આ બંને રસાળ ફળ છે.?મોસંબી ઠંડી છે જ્યારે નારંગી ગરમ.
મોસંબી સ્વાદે મીઠી, ખટાશવાળી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાત- પિત્તનાશક અને કફકારક છે.
નારંગી પણ સ્વાદે ખાટી, મીઠી, તાસીરે ગરમ, પચવામાં ભારે, લૂખી, પેટ સાફ લાવનાર, વાતનાશક, કફ – પિત્તકર છે.
આપણે ત્યાં તાવમાં આ બંને ફળોનો વિશેષ ઉપયોગ થાય છે. તે આયુર્વેદના મતે કુપથ્ય છે. બંને ફળો ભારે અને કફવર્ધક હોઈ તે તાવમાં નુકશાન કરે છે. તેને તાવમાં તો ન જ અપવા.
બંને ફળો રોચક, ધાતુવર્ધક, લોહી સુધારનાર, પૌષ્ટિક, અગ્નિદીપક, પચાવનાર, તરસ-થાક દૂર કરનાર અને સ્વાદિષ્ટ છે. જમ્યા પછી આ ફળોનો રસ લેવો હિતકર છે. તે પાચનતંત્ર સુધારી, ખોરાક પચાવી, શરીરમાં લોહી વધારે છે.
નારંગીનો રસ હાઈ બ્લડપ્રેસરમાં સારો છે. તે બ્લડપ્રેસર નોર્મલ કરે છે. સગર્ભાની ઊલટી-ઉબકા મટાડે છે. કબજિયાતમાં ફાયદો કરે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ચક્કર, અશક્તિ અને પાંડુતા દૂર કરે છે.
આ ફળો સવારે વધુ લેવા નહિ, નાનાં બાળકોને વધુ આપવા નહિ, અગ્નિમાંદ્યવાળાએ વધુ ઉપયોગ કરવો નહિ.