શક્તિદાયક તથા શુભકર્તા નાળિયેર
નાળિયેરને શ્રીફળ કહે છે કારણ કે તે શુભકર્તા છે. વળી તેને કલ્પવૃક્ષ પણ કહે છે કારણ કે તેનું દરેક અંગ ઉપયોગી છે.
નાળિયેર સ્વાદે મીઠું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને બાંધનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે માંસ વધારે છે. હ્રદયને માટે સારું છે, મૂત્રાશયને સાફ કરે છે, વીર્ય વધારે છે. નાળિયેરનું પાણી પચવામાં હલકું, અગ્નિદીપક, તરસ-દાહને અને ઉદરરોગી માટે સારું છે. નાળિયેરનું પાણી બળતરા, અમ્લપિત્ત અને અશક્તિ મટાડે છે. સ્ત્રીને ધાવણ ઓછું આવતું હોય તો લીલું-સૂકું કોપરું ખૂબ ચાવીને ખાવું જોઈએ.
ભીલામાના સેવન દરમિયાન ભીલામો ઊડે તો શરીરે કોપરેલ તેલ લગાવવું, લીલું કોપરું ખાવું અને નાળિયેરનું પાણી પીવું.
નાળિયેરના ફૂલની ચટણી કે તેનો ક્ષાર સેવવાથી પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે. નાળિયેરની કાચલીના ચૂવાનું માલિશ કરવાથી ખરજવું અને બીજા ચામડીના રોગો મટાડે છે.
શરીરનું જલીય તત્વ ઘટી ગયું હોય (ડીહાઈડ્રેશન) તો નાળિયેરનું પાણી પીવા આપવું. તે જ રીતે માંદા અને અશક્ત વ્યક્તિઓને નાળિયેરનું પાણી બળ અને પોષણ આપશે. વધુ પડતો પેશાબ થતો હોય તો તલ, ખજૂર અને કોપરું ભેગા કરીને ખાવા.