બાળકોને ઉછેરતી વખતે અમુક પરિસ્થિતિમાં કુદરતી રીતે જ આપણે કાબૂ ગુમાવી બેસીએ છીએ. અમુક વખતે તો ક્રોધ પર કાબૂ મેળવવો અતિમુશ્કેલ બને છે.
આવા સમયે બાળક આપણને બરોબર ઝીણવટપૂર્વક જુએ છે અને સમજવાની કોશિશ કરે છે. તેઓના મનમાં આપણા પ્રત્યે પ્રેમને બદલે રોષ જન્મે છે.
તેઓ કદાચ આપણી સામે ગુસ્સો ન પણ કરે, પરંતુ તેઓના મનમાં તો આ અંગેનાં વિચારો મનમાં સતત ચાલતાં જ હોય છે.
કેટલીક બાબતોમાં બાળકોને પંણ છૂટછાટ કે રાહત આપવી જોઇએ. જેમ કે પરીક્ષા વખતે ગમતી ટી. વી. સિરીયલ થોડીવાર જોવાની છૂટ આપવી, બીમારીમાં થોડીક સ્વાદવાળી ચીજો ખાવા દેવી, રજાના દિવસે લાંબો સમય ઊંઘવા દેવાં વગેરે.
સૌથી વધુ અસરકારક છે આપણું પોતાનું આચરણ. આપણે પણ આ જ બાબતો આચરણમાં મૂકીએ અને તેમના ધ્યાન પર લાવીએ પછી જ અમલની અપેક્ષા રાખીએ.
કહેવાનો અર્થ એ નથી કે કદીએ ગુસ્સે ન થવું ! ગુસ્સો કરવા ઉપર પ્રતિબંધ કે રોક નથી, પણ તેની વિશેષ પદ્ધતિ છે, આપણને કઈ કઈ બાબતો ઉપર ગુસ્સો આવે છે તેની માનસિક યાદી બનાવીએ.
સમજાવટથી કઈ રીતે કામ કઢાવવું તે વિચારીએ. જેમ કે આપણને તેઓનું અમુક વર્તન ન ગમ્યું હોય તો ગુસ્સો કરવાને બદલે મૌન રહીએ તો તેની અસર વધુ થશે..
આપણા વિચારો થોપી બેસાડવાને બદલે તેમને ભૂલો સુધારવાની તક આપીએ અને પછી તેઓનું વર્તન ચકાસીએ.
આ બધી બાબતોનો સાર એ કે ક્રોધ ક્યારેય વાજબી નથી હોતો. ક્રોધમાં માતા–પિતા બાળકો સાથે નિર્દયી વર્તાવ કરે છે. બાળકોને પણ ઘણી બધી વસ્તુઓથી અણગમો હોય છે.
તેથી આ વિપરીત પરિસ્થિતિને ટાળવા બાળકો સાથે સ્વસ્થ શાંતિપૂર્વક વાતાવરણમાં ચર્ચા કરવી જોઈએ.
બાળપણમાં અનુભવેલી મોકળાશ, મુક્ત વાતાવરણ અને કોઈ પણ પરિસ્થિતિમાં તટસ્થ રહીને વર્તવાની આદતો તેમને જીવનમાં અતિ ઉપયોગી થઈ પડશે. આવુ ત્યારે જ બની શકે જ્યારે આપણે આ બાબતોને જીવનમાં ઉતારીએ ત્યારે.