બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં
કેળાં બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ છે. તેની ઘણી જાતો છે. તેમાં માંસલ ભાગ ખૂબ હોય છે અને છાલ સહેલાઈથી છૂટી કરી શકાય છે. પાકેલાં કેળાં સારાં. તે જેમ વધુ પાકે છે તેમ છાલ પાતળી થતી જાય છે.
કેળાં સ્વાદે મીઠા, સહેજ તૂરા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, ચીકણા, ઝાડાને બાંધનાર, પિત્તશામક અને કફકર છે. તે વીર્યવર્ધક, ધાતુવર્ધક, સ્વાદિષ્ટ અને પથ્ય છે, રક્તપિત્ત, બળતરા, ક્ષત, ક્ષય, તરસ, આંખના રોગ, પેશાબના રોગ, પથરી, નિર્બળતા, દૂબળાપણું વગેરેમાં સારા છે.
બાળક કે કોઈપણ વ્યક્તિ વીંટી, લખોટી કે કોઈપણ અખાદ્ય ગળી ગયું હોય તો તેને ખોરાક બંધ કરાવી માત્ર કેળાં ઉપર રાખતાં તે ચીજ મળમાં ગંઠાઈ બહાર નીકળી જાય છે. આ માટે મળમાં ધ્યાન રાખવું જોઈએ.
ભસ્મક રોગમાં કેળાં ખૂબ સારા. ઘણા લોકોને ખૂબ ભૂખ લાગી હોય, ખૂબ ખાતા હોવા છતાં શરીર વળતું ન હોય, બધું બળી જતું હોય તેને કેળાં જ ખવડાવવા.
પાકાં કેળાં ઘી-સાકર સાથે લેવાથી ધાતુપુષ્ટિ થાય છે અને વજન વધે છે.
વધુ પડતાં કેળાં ખવાઈ ગયા હોય અને તેનું અજીર્ણ થયું હોય તો એલચી ખાવી. એલચી કેળાનું અજીર્ણ મટાડે છે.