પરિચય :
અળસી કે અળશી (અતસી, અલસી)નાં છોડ ગુજરાત – ભારતમાં સર્વત્ર થાય છે. આ છોડ દોઢ બે ફુટ ઊંચો, સીધો અને નાજુક હોય છે. એની ઊભી સળીઓ પર બારીક, લાંબા અને એક એકનાં આંતરે ૧ થી ૩ ઇંચ લાંબા ઘાસ જેવાં પાન થાય છે. તેની પર આસમાની રંગના ટોકરા આકારનાં, ચક્રાકારનાં સુંદર પુષ્પો આવે છે. એની પર ગોળ દડા જેવા ૧૦ ખાનાવાળાં ફળ થાય છે. તે દરેક ખાનામાં ૧-૧ ચકચક્તિ, ચીકણા, ચીપટા, જરા લાંબા, અંડાકાર, ગંધરહિત, તેલી, ભૂખરાં? રંગનાં બી થાય છે. બીમાં પીળાશ પડતા સફેદ રંગનો ગર્ભ (મગજ) થાય છે. તેને પીલીને તેનું તેલ કઢાય છે. જે રંગરોગાનમાં અને દવામાં ખાસ વપરાય છે. ન્યૂમોનિયામાં – છાતીમાં કફના ભરાવામાં છાતી ઉપર અળસીનો લેપ ખાસ વપરાય છે. અળસીનાં બીજ, તેલ, પાન, ફૂલ ખાસ દવારૂપે વધુ વપરાય છે.
ગુણધર્મો :
અળસી મધુર, કડવી, તીખી; સ્નિગ્ધ, બળકારક, ભારે, વાતદોષ તથા કફદોષ નાશક, ગરમ અને દ્રષ્ટિદોષ, વીર્યરોગ, પીઠનું શૂળ અને પિત્તનો નાશ કરે છે. તેનાં બી મધુર, સ્નિગ્ધ, ઉષ્ણવીર્ય, બળકારક, કામોદ્દીપક, થોડી માત્રામાં મૂત્રલ અને સોજો મટાડનાર છે. મોટી માત્રામાં તે રેચક, વાતનાશક, વાતરક્ત (ગાઉટ), કોઢ તથા વ્રણનાશક છે. અળસીનું તેલ મધુર, ચીકણું, વાયુનાશક, બળવર્ધક, ગરમ, કફ, ખાંસી અને ત્વચા અને હ્રદય માટે હિતકર છે. ગાંધીને ત્યાં તેનાં બીજ તથા અળસીનું તેલ વેચાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) દાઝવું : અળસીનું તેલ તથા ચૂનાનું નીતર્યું પાણી સરખા ભાગે ૧ શીશીમાં લઈ, ખૂબ હલાવવાથી, સફેદ લોશન થશે. તે દાઝવા પર રોજ લગાવવાથી દાઝ્યાના જખમ-પીડા દૂર થશે.
(૨) કબજિયાત : અળસીનું પેલ ૧૦ થી ૨૦ મિ. લિ. જેટલું દૂધ સાથે પીવાથી જૂનો ગંઠાયેલો મળ પણ બહાર આવે છે.
(૩) આંતરડાની નબળાઈ તથા હરસ : રોજ ૧ – ૧ ચમચી અળસીનું તેલનું દૂધમાં લેવું.
(૪) સોજો : અળસીના બીને વાટી, તેની પોટીસ બનાવી લગાવવું.
(૫) ફેફસાંનો સોજો : છાતીમાં કફનો ભરાવો-હાંફ : ગરમ ઉકળતા થોડા પાણીમાં અળસીનો લોટ ધીમે ધીમે નાંખતા જઈ, ઘટ્ટ લોપરી જેવું કરો. પછી તેને એક જાડા કપડા ઉપર તવેથા વડે પાથરી, જરા ગરમ ગરમ દર્દીની છાતી ઉપર પ્રથમ થોડું તેલ ચોપડીને, તે પટ્ટી લગાવી દો : (આ એન્ટીફલોજીસ્ટીન લેપ છે )
(૬) મૂત્રદાહ : ૩ ચમચી અળસી – બીને કૂટી, તેને ૫૦૦ ગ્રામ પાણીમાં ૧૦ મિનિટ ઉકાળી, ઉતારીને ગાળી, તેમાં સાકર નાંખી પીવું. આ ‘અળસીની ચા‘ મરડો, કફનો ભરાવો, પેશાબની છૂટ ન થવી વગેરેમાં પણ લાભ કરે છે.
(૭) અનિંદ્રા : અળસીનું તેલ તથા દિવેલ કાંસાની થાળીમાં મૂકી, કાંસાની વાટકી વડે ખૂબ ઘૂંટવું. પછી તે આંખમાં આંજવાથી ઉત્તમ નિંદ્રા આવે.