શિંગોડા જેને હિંદી ભાષામાં સિંઘાડ઼ા અને સંસ્કૃત ભાષામાં શ્રૃંગાટક કહેવામાં આવે છે. શિંગોડા પાણીમાં ઊગતી વનસ્પતિનું એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડુબેલા રહેતા તેના મૂળ પર લાગે છે. આ ફળના શીર્ષના ભાગ પર શિંગડાની જેમ બે કાંટા હોય છે, જેના કારણે તેને શિંગોડા કહેવામાં આવે છે. ચીની ખોરાક માટે આ ફળ એક અભિન્ન અંગ ગણાય છે. આ ફળને છોલીને તેના ગરને સુકવી અને ત્યારબાદ દળીને લોટ બનાવવામાં આવે છે. આ લોટમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનું ભારત દેશમાં લોકો શીરો બનાવી વ્રત ઉપવાસ સમયે સેવન કરે છે, કારણ કે તેને એક અનાજ નહીં પરંતુ એક ફળ તરીકે માનવામાં આવે છે.
આ ઉપરાંત ભારતમાં શિંગોડાના ફળને લીલાં હોય ત્યારે એટલે કે તાજાં તોડેલાં હોય ત્યારે બાફીને પણ ખાવામાં આવે છે. બજારમાં વેચાણ માટે મુકવામાં આવતાં શિંગોડાંના ફળના બાહ્ય આવરણને કાળા રંગ વડે રંગી તેની સજાવટ કરવામાં આવે છે.