મૂત્રમાર્ગની પથરી બલ્ય વનસ્પતિથી મટ્યા પછી ફરી થતી નથી
હાલમાં પથરી અને કીડનીના દર્દીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પથરીને કારણે હાઈબ્લડપ્રેસર અને બીજા ઉપદ્રવો પણ રહે છે. પથરીની સમયસર ચિકિત્સા ન કરવામાં આવે તો કીડનીને લગતા કેટલાક રોગો પણ થાય છે. કોઇ વખત એકાદ વખત ઓપરેશન કરાવી કઢાવી નાખ્યા પછી પણ ફરી પથરી થાય છે અને દર્દી હૃદયદ્રાવક પીડામાંથી પસાર થાય છે.
કીડનીમાંથી ઓપરેશન કરી પથરી કઢાવવી સામાન્ય બાબત નથી. એટલે દર્દી બીજી ચિકિત્સા પઘ્ધતિઓ તરફ વળે છે. આવા કંટાળેલા દર્દી અને એક્સરે વગેરેમાં ન પકડાતી ક્ષારની રેતી કે જે પથરી જેવી જ પીડા આપે છે અને હેરાન પરેશાન કરી મૂકે છે એના માટે અહીં એક સરળ ઉપચાર બતાવું છું.
મૂત્રમાર્ગ અને કીડનીની પથરી માટેના આયુર્વેદમાં અનેક ઉપાયો છે પણ એમાં એ સરળ, નિર્દોષ અને રસ્તો ઉપાય આપણા હાથમાં જ છે પણ શ્રઘ્ધાથી કરવો જોઇએ. ગોખરૂ નામે આપણી પાસે બહુ જાણીતું ઔષધ છે. ગોખરૂ બે પ્રકારના આવે છે. એક મોટા કે જેને માળવી ગોખરૂ કહે છે. આ ગોખરૂ રસાયન વાજીકરણ ગુણ વધારે ધરાવે છે. બીજા પ્રકારને નાના ગોખરૂ કહે છે કે જે પથરી અને અન્ય મૂત્રમાર્ગના વ્યાધિમાં વપરાય છે. નાના ગોખરૂનો છોડ થાય છે. બજારમાં મળતાં કાંટાવાળા ગોખરૂ, ગોખરૂનાં છોડનું ફળ છે. આખો છોડ ઔષધ તરીકે ખૂબ જ ઉપયોગી છે. વિશેષ ઉપયોગ કાંટાવાળા ગોખરૂનો થાય છે.
કીડનીની પથરી કે મૂત્રમાર્ગમાં થનારી પથરી માટે આ ગોખરૂ ખૂબ જ ઉપયોગી માલુમ પડે છે. એક વખત પથરી થયા પછી ફરી ન થાય એ માટે ગોખરૂનું અવારનવાર સેવન કરતાં રહેવાથી પથરી જમા થતી નથી.
પથરીના દર્દીએ ગોખરૂ ચૂર્ણ ૩ ગ્રામ મધ સાથે લેવું અને ઉપર ઘેટી અગર બકરીનું દૂધ પીવું.
ગોક્ષુરાદિગૂગળની બે ગોળી બપોરે અને સાંજે જમ્યા પછી લેવી. આ પ્રયોગ દસ દિવસ કરવો. દસ દિવસમાં ન નીકળે તો ચિકિત્સકની સલાહ લઇ વધારે દિવસ પ્રયોગ ચાલુ રાખી શકાય. ત્યાર પછી ગોખરૂ ચૂર્ણનું મધ સાથે સેવન કરી શકાય.
મહર્ષિ ચરકે એમના ગ્રંથમાં ગોખરૂની બલ્ય અને પુષ્ટિકારક તરીકે પ્રશંસા કરી છે. મહર્ષિ સુશ્રૃતે આ ઉપરાંત મૂત્રલ અને પથરીહર તરીકે મહત્વ આપ્યું છે.
આયુર્વેદની દ્રષ્ટિએ ગોખરૂ પથરીહર ઉપરાંત મઘુર, બલ્ય, પુષ્ટિકર, વૃષ્ય, ગર્ભસ્થાપક, વાતપિત્તશામક, વાયુનું અનુલોમન કરનાર, કૃમિધ્ન, વધારે માત્રામાં મળ સાફ લાવનાર, રક્તપિત્ત શામક, શોથહર અને ઉત્તમ મૂત્રલ છે. આઘુનિક મત મુજબ ગોખરૂમાં નાઇટ્રેટ વધારે હોવાથી મૂત્ર વિરેચન ગુણ ઘણો સારો છે.
ઉનવા બસ્તિ શોથ, (સીસ્ટાઇટીસ) મૂત્ર માર્ગશોથ (યુરથ્રાઇટીસ) વગેરે મૂત્ર માર્ગના રોગોમાં ગોખરૂ સુંદર પરિણામ આપે છે. ટોનિક તરીકે પણ દૂધ સાથે નિયમિત લઇ શકાય. પિત્ત અને વાત પ્રકૃતિની વ્યક્તિને ગોખરૂ ખૂબ માફક આવે છે.
હૃદયરોગ અને કીડનીને લીધે આવતા સોજામાં ગોખરૂનો ઉકાળો લાભદાયી છે. પથરીનાં દર્દીને સોજા કે હાઈબ્લડપ્રેસર રહેતું હોય તો ચિકિત્સકની સલાહ લેવી.
બજારમાં મળતાં કાંટાવાળાં ગોખરૂ ઔષધ તરીકે વપરાય છે. મૂળ અને પંચાગ પણ વપરાય છે. વૃષ્ય, બલ્ય, મૂત્રલ, પથરીહર તરીકે નાના ગોખરૂ વપરાય છે.