હિમાલયના હિમાચ્છાદિત પર્વતની તળેટીમાં ૧૧૭૫૦ ફૂટની ઉંચાઈએ કેદારનાથ મહાદેવનું જયોર્તિલિંગ બિરાજમાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ વખતે શ્રી વિષ્ણુના બે અવતાર નર અને નારાયણ પાર્થિવ શિવલિંગનું અહીં સ્થાપન કરીને તપ કરી રહ્યાં હતાં. પૂજન વખતે શિવજી પોતે આ પાર્થિવ શિવલિંગમાં પધારતા. આ કઠિન તપથી પ્રસન્ન થઈને કૈલાસપતિએ દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું ત્યારે આ બંને તપસ્વીઓએ કરેલી પ્રાર્થનાથી આશુતોષ જયોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થયા.
હિમારછાહિત સુમેરૂ પર્વતની તળેટીમાં કેદારનાથ મહાદેવનું મંદિર દસેક ફૂટ ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલ છે. પહાડી શૈલીથી બંધાયેલું આ મંદિર ૩૫ ફૂટ પહોળું, ૬૦ ફૂટ લાંબુ અને ૮૦ ફૂટ ઊંચુ છે. પ્રાંગણમાં આવેલ નદીની વિશાળ મૂર્તિની સન્મુખ આવેલ સિંહદ્વારમાં પ્રવેશતાં, મંદિરની અંદર શિવ-પાર્વતી, ઉષા અનિરૂદ્ધ, પાંચ પાંડવો અને શ્રી કૃષ્ણની મૂર્તિઓ છે. ગર્ભગૃહમાં બિરાજતું જયોર્તિલિંગ પરંપરાગત આકારને બદલે પર્વત જેવા ત્રિકોણાકાર આછા ભૂરા પથ્થરનું, નીચેથી પાંચ ફૂટ પહોળું અને બે ફૂટ ઊંચુ છે. અહીં જયોર્તિલિંગ પર ઘી ચોપડવાનો મોટો મહિમા છે. કહેવાય છે કે આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતુ. હાલનું મંદિર આધ્ય શંકરાચાર્ય મહારાજે પુનરૂદ્ધાર કરીને બંધાવ્યું હતું અને અહીં દેહત્યાગ કર્યો હતો. મંદિરની બરાબર પાછળ શંકરાચાર્ય મહારાજની સમાધિ આવેલ છે. અહીં ગાંધી સરોવર આવેલ છે જે મંદાકિની નદીનું ઉદ્ગમ સ્થાન છે.
આ મંદિર યાત્રિકો માટે મે થી ઓકટોબર સુધી જ ખુલ્લું રહે છે. શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ સુધી આ સમગ્ર વિસ્તાર પુષ્કળ બરફથી છવાયેલો રહે છે. તેથી આ સમય દરમિયાન મંદિર બંધ રહે છે. અને કેદારનાથ મહાદેવની ચલમૂર્તિ ઉખીમઠ લાવીને તેનું અહીં પૂજન થાય છે.