ખટમીઠા રસથી ભરપૂર દાડમ
દાડમના સફેદ, રસાળ, ચમકતા, એકબીજાને અડીને યોઠવાયેલા, ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે.
દાડમ સ્વાદે મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે.
તાસીરે સહેજ ગરમ, સહેજ ચીકણું, પચવામાં હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે. કંઠરોગ, ઊલટી, મંદબુદ્ધિ, દાહ, તાવ, તરસ, મોંની દુર્ગંધ, હ્રદયરોગ વગેરેમાં દાડમ સારા છે.
દાડમની છાલ મુખપાકને મટાડે છે. લીલી કે સૂકી દાડમની છાલ મોંમાં રાખી મૂકવાથી મોંના ચાંદાં અને છાલા મટે છે.
દાડમના ફૂલને પાણીમાં પીસી, ગાળીને નાકમાં ટીપાં મૂકવાથી નસકોરી મટે છે. દાડમનાં ફૂલ, ફટકડી અને માયાફળને મિશ્ર કરી તેની પોટલી બનાવી યોનિમાં મૂકવાથી ગમે તેવા લોહીવા મટે છે.
દાડમનો રસ ઊલટી મટાડે છે. ખાસ કરીને સગર્ભાની ઊલટીમાં તે સારો છે.
દાડમના સેવનથી બેસેલું ગળું ખૂલી જાય છે. દામની છાલનું ચૂર્ણ સાકર સાથે લેવાથી દૂઝતા હરસનું લોહી અટકે છે.
દાડમના દાણાનો રસ આંખમાં નાખવાથી આંખનું તેજ વધે છે અને આંખના રોગ મટે છે.