રમતો બાળકોને આકર્ષે છે. ભાતભાતનાં રમકડાં, પછી તે માટીનાં હોય કે ઇલેકટ્રોનિક, બાળકોને એકસરખો આનંદ આપે છે. બાળકોને રમતો અને રમકડાં ખૂબ ગમે છે. બાળકો રમતાં હોય ત્યારે પણ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે.
ઘણીવાર માતા – પિતા રમતાં બાળકોને રોકે છે. ‘‘કયારનો રમે છે. ચાલ હવે.’’ આવી સમયની બેડીઓથી બાળકોને બાંધશો નહીં. ખાસ કરીને વૅકેશનનો સમય એટલે માત્ર રમવાનો અને ઉછળકૂદ કરવાનો સમય છે તેમ માનજો.
મનોવૈજ્ઞાનિકો અને સંશોધકોએ પણ રમત અને જ્ઞાનને એકબીજાનાં પૂરક ગણાવ્યાં છે. આજના સમયમાં બાળકોને રમતગમત અને આનંદ માટેનો પૂરતો સમય પણ મળતો નથી તેમ કહીએ તો ચાલે.
લાંબા અભ્યાસક્રમો, પરીક્ષાઓની હારમાળા, પુસ્તકોના ઢગલા અને પરિણામોની ચિંતાઓથી બાળકો ઘેરાયેલાં રહે છે.
અને તેને રમવાનો સમય નથી મળતો. પણ ખરી વાત તો એ છે કે બાળકોની સફળતાની ચાવી રમતો પણ છે.