સૌરાષ્ટ્રના વિખ્યાત લોકગાયક અને લોકસંગીતનિયોજક
લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌંદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા.
લોકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરેને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા-નિવેદક સૌરાષ્ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓનાં ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઈ. ૧૯૬૫ના ઑગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઈ પરલોક સિધાવ્યા.
પિતાનુ; નામ નાનુભા. નાનુભા પોતે નિરક્ષર હતા અને ખેતીનો ધંધો કરતા હતા. માતા બાલુબાએ હેમને ભવાઈ અને પ્રવાસી નાટક-મંડળીઓનો પરિચય કરાવ્યો. બાલુબાના ભાઈ એટલે કે હેમુના મામા નાટક મંડળી ચલાવતા. હેમુ એ કંપનીનાં નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવતા. નાટક-મંડળી પ્રવાસ કરતી રહેતી. પરિણામે વિવિધ સ્થળોએ વિવિધ શ્રોતામંડળી સમક્ષ લોકગીતો, રાસ, ગરબા વગેરે રજૂ કરવાની તક તેમને સાંપડી. લોકસાહિત્યમાં રસ પડતાં તેનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો. મોરબીના વિદ્યારામ હરિયાણીને તેમણે પોતાના ગુરુ તરીકે સ્થાપ્યા હતા. વિદ્યારામે લોકસાહિત્યની ખૂબીઓ અને વિવિધતાઓથી હેમુને સુપરિચિત કર્યા.