ચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેને પ્રસન્ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં ગણપતિના પૂજન પાછળ એક પૌરાણિક પણ કથા છે. એકવાર તપ પૂર્ણ કરીને મહાદેવને ગણેશજી ગૃહપ્રવેશ કરતા અટકાવે છે. ક્રોધે ભરાયેલા મહાદેવના હાથે અજાણતા ગણેશનું મસ્તક કપાઈ જાય છે. પોતાના પુત્રનું મસ્તક મહાદેવે કાપી નાખ્યાના સમાચાર મળતા માતા પાર્વતી ભયંકર રૂદન કરે છે. આથી શંકર ગણપતિને સજીવન કરવાનું વચન આપે છે અને પોતાના ગણને આદેશ આપે છે કે રસ્તામાં જે સૌ પ્રથમ મળે તેનું મસ્તક લઈ આવો ગણ હાથીનું મસ્તક લઈ આવે છે અને હાથીના માથાવાળા ગણપતિ સજીવન થાય છે. ત્યારથી ગજાનન તરીકે પણ જાણીતા થાય છે.
શ્રી ગજાનનનું હાથીનું મસ્તક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્ય વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્ય-અસત્યની વાતોમાંથી સત્ય વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્તકની ઝીણીઆંખો દ્વારા સમસ્ત સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે. ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્યવી વસ્તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે.
ગણપતિને રિધ્ધિસિધ્ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્ધી પણ સાંપડે છે. આજના દિવસે આવા સર્પણ સંપૂર્ણ ગજાનનનું પૂજન કરી આપણા જીવનને સાર્થક કરીએ.