મીઠુ: જેના વિના શરીર ને સ્વાદ ફિક્કા
પરિચય :
મીઠું \’સબરસ\’ને નામે પ્રસિદ્ઘ છે. તેના વગર વ્યંજનો ફિક્કાં લાગે, એટલું જ નહિ શરીરને તેની જરૂર પણ છે. તેના વગર લોહીમાંની ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. મીઠું આવી પરિસ્થિતિ સર્જાવા દેતું નથી. આમ છતાં, મીઠાનું પ્રમાણ વધવા ન પામે તેનો પણ ખ્યાલ રાખવો. જો લોહીમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો લોહીની જામવાની પ્રતિક્રિયા ઘટી જાય છે. જો આમ થાય તો કશું વાગવાથી અથવા પડી જવાથી લોહી નીકળવા લાગે તો તે બંધ થવામાં મુશ્કેલી પડે છે. આથી મીઠાનો સપ્રમાણ ઉપયોગ જરૂરી છે.
મીઠાના કુલ પાંચ પ્રકાર છે, પરંતુ સામાન્યપણે બે પ્રકારનું મીઠું લગભગ બધા ઘરોમાં હોય છે – સાદું સફેદ મીઠું (દરિયાઇ) અને બીજું સિંધવ અથવા સિંધાલૂણ. એ ખનિજ મીઠું છે. અન્ય પ્રકારોમાં સંચળ છે. તે કોઇ કોઇ વ્યંજનમાં વાપરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. જયારે બિડલવણ અને વડાંગરું મીઠું સામાન્ય રીતે વપરાતાં નથી.
ગુણધર્મ :
મીઠું મધુર, તીખું, ભારે, અગ્નિ-પ્રદીપક, કફકારક, વાયુ મટાડનાર, રુચિકર, હ્રદ્ય, ખારું, શૂળનાશક અને સ્વાદુ છે. વધુ પ્રમાણમાં ખાવાથી વાળ અકાળે ધોળા થવા લાગે છે. તે ઉપરાંત પાચનક્રિયા પર પણ માઠી અસર થાય છે. તે વધુ પ્રમાણમાં લેવાથી રેચક છે. રકત, માંસ, મેદ વગેરેને નુકસાન કરે છે. વાતનાડીઓને પણ નુકસાન કરે છે. ખૂબ જ વધુ પ્રમાણમાં ખાવાથી પેટના અવયવોમાં દાહ ઉત્પન્ન કરે છે. દીર્ઘ સમય સુધી આ પરિસ્થિતિ રહે તો લોહીવિકાર, શિરદર્દ, શુક્રનાશ, સાંધાઓમાં પીડા, મુત્રરોગ વગેરે થઇ શકે.
ઉપયોગ :
(૧) ગળાનો સોજો અને તેમાં ચીકાશ રહેતી હોય તો મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરવા.
(૨) શરદી, સળેખમ, પીનસ વગેરે નાકના રોગોમાં મીઠાવાળા પાણીનો નાસ લેવો.
(૩) ઊલટીઓ થતી હોય તો મીઠા અને મરીનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે.
(૪) ગરમ પાણીમાં મીઠું ઉકાળીને લેવાથી સાદો તાવ ઊતરી જાય છે.
(૫) મીઠા સાથે અજમાની ફાકી લેવાથી પેટનો દુખાવો અને શૂળ શમી જાય છે.
(૬) કબજિયાતની તકલીફમાં રાતે સૂતી વખતે નવશેકું મીઠાવાળું પાણી પીને સૂઇ જવાથી સવારે શૌચ સાફ આવે છે.
(૭) કૃમિની તકલીફ હોય તો દરરોજ સવારે ઊઠયા પછી તરત અને રાતે સૂતી વખતે આદુ અને લીંબુના રસમાં મીઠું નાખી તે થોડા દિવસ પીવું.
(૮) મૂત્રદોષ હોય તો મીઠાવાળું ઠંડું પાણી થોડા દિવસ પીવાથી મૂત્ર સ્વચ્છ થઇ જાય છે.
(૯) જખમ પર મીઠાવાળા પાણીનો પટ્ટો બાંધવાથી જખમ પાકતો નથી અને જલદી રુઝાઇ જાય છે.
(૧૦) દુખતા દાંત અને ફૂલેલાં પેઢાંની તકલીફમાં દિવસમાં ત્રણ-ચાર વખત મીઠાવાળા પાણીના કોગળા કરવા.
(૧૧) કોઇ પણ વસ્તુ ખાધા પછી મીઠાવાળા પાણીના કોગળા કરવાથી દાંતનો સડો ન થાય.
(૧૨) કંઇ પણ વાગ્યું હોય, મૂઢમાર હોય કે મચકોડ આવી હોય તો મીઠું અને હળદર વાટીને લગાડવાથી સારું થઇ જાય છે.
(૧૩) મધમાખી, પીળા રંગના ડાંસ કે કોઇ પણ જીવજંતુના ડંખ પર મીઠું ચોળવાથી પીડાનું શમન થાય છે.