પરિચય :
લીલાં મરચાંથી આપણે સહુ પરિચિત છીએ. સૂકાં લાલ મરચાં કરતાં લીલાં મરચાંનો ઉપયોગ હિતાવહ છે. સ્વાદની રીતે પણ તે ચઢિયાતાં હોય છે. લીલાં મરચાં કોથમીરની ચટણીમાં અગત્યનો ભાગ ભજવે છે, વળી તે ઓછાં ગરમ પડે છે, કારણ કે લીલાં મરચાંમાં પાણીનું પ્રમાણ ખૂબ વધૂ હોય છે. આમ છતાં, તીખું બને તેટલું ઓછું ખાવું. મધ્યમ પ્રમાણ રાખવું. વધારે પડતું તીખું ખાવાથી હોજરીમાં અને આંતરડાંમાં દાહ ઉત્પન્ન થઇ, ચાંદાં પડવાનો સંભવ છે.
ગુણધર્મ :
તે તીખાં, ઉષ્ણ, પાચક, લોહીવર્ધક, પિત્તલ, દાહક, રુક્ષ, અગ્નિદીપક છે. તે કફ, આમ, કૃમિ અને શુળનો નાશ કરે છે. તેમજ રુચિકારક છે.
ઉપયોગ :
(૧) પેટના દુખાવા ઉપર : મરચાંનાં બી ગરમ પાણી સાથે ગળવાં.
(૨) કોલેરા ઉપર : મરચાંની જાડી ભૂકી એક ચમચી અને એક નાની ચમચી મીઠું એ બન્ને વસ્તુઓને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવી; થોડી વાર ઉકાળ્યા પછી નીચે ઉતારીને પાણીને ઠરવા દેવું. આ જ ક્રિયા ફરી એક વાર કરવી. આમ તૈયાર થયેલા પાણીમાંથી અર્ધો ગ્લાસ સવારે અને અર્ધો ગ્લાસ સાંજે પીવું.
(૩) દારૂનો નશો ઉતારવા માટે : અતિ અલ્પ પ્રમાણમાં મરચાંની ભૂકીનું પાણી પીવડાવવું.
(૪) ઘરમાં માંકડનો ઉપદ્રવ થયો હોય તો મરચાંવાળું ઊકળતું પાણી માંકડવાળી જગ્યા પર રેડવું.
(૫) હડકાયું કૂતરું કરડયું હોય તે જગ્યા ઉપર લાલ મરચું વાટીને ચોપડવું.