મલ્લિકા સારાભાઈ
ભારતીય શાસ્ત્રીય નૃત્ય નાટ્યકલાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકા નાની હતી ત્યારે તેમના પિતા ડૉ. વિક્રમભાઈ તેમને વાતોમાં જાતજાતની જીવનઘડતરની વાતો કરતા. તેઓ કહેતા : \”છોકરીએ ભણવું તો જોઈએ જ. છોકરા જેટલી જ શક્તિ મેળવીને સ્વતંત્ર બનવું જોઈએ. પછી ભલે તે પરણેલી હોય.\”
મલ્લિકાએ પોતાના પિતાની આ વાત બરાબર પોતાના જીવનમાં ઉતારી છે. મનોવિજ્ઞાનમાં એમણે ડૉકટરેટ કર્યું છે અને મેનેજમેન્ટમાં પણ અનુસ્નાતક છે.
મલ્લિકાએ પોતાના પતિ બિપિનભાઈ સાથે મળીને ‘મપિન‘ નામની એક પ્રકાશન સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થાએ ભારતીય સંગીત કલા, નૃત્ય, ભારતીય પહેરવેશ વગેરે ઉપરાંત સાંસ્કૃતિક, નૈસર્ગિક જેમાં અનેક વિષયોના ગ્રંથો પ્રકાશિત કર્યાં છે. ભારતીય પ્રકાશનક્ષેત્રે આ ગ્રંથોનો ફાળો મહામૂલો ગણવામાં આવે છે. આ પુસ્તકો છાપવા પાછળ તેઓ ઘણી જહેમત ઉઠાવે છે. તેઓ દરેકે દરેક વિગતોનો ઊંડો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા પછી જ પુસ્તક માટે પસંદ કરે છે.
મલ્લિકા સારાભાઈએ ગુજરાતી ફિલ્મોમાં લગભગ એક દાયકા સુધી કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મોમાં મલ્લિકા અને કિરણકુમારની જોડી સારી એવી લોકપ્રિય બની હતી. મલ્લિકાએ એક માત્ર હિન્દી ફિલ્મ ‘હિમાલય સે ઊંચા‘માં અભિનય આપ્યો છે.
મલ્લિકાએ ખૂબ જ નાની ઉંમરથી જ નક્કી કરેલું છે કે પોતે કોઈ પણ એવી સ્ત્રીઓનો રોલ નહીં કરે કે જે ચીલાચાલુ હોય. જેમાં સ્ત્રીઓને ગૌણ ગણી તેમના પર અત્યાચાર આચરવામાં આવતા હોય.
મલ્લિકાને સૌથી વધુ ખ્યાતિ મળી હોય તો પીટર બુક્સના મહાભારતને કારણે, પીટર બુક્સના દિગ્દર્શન હેઠળ સ્ટેજ પર ભજવાતા અને દીર્ધ ફિલ્મ તરીકે પણ દર્શાવાતા ‘મહાભારત‘માં મલ્લિકાએ દ્રોપદીનું પાત્ર ભજવ્યું છે. પાંચ વર્ષમાં આ નાટક દુનિયામાં ૨૫ થી યે વધુ દેશોમાં ભજવાયું છે. અને જ્યાં જ્યાં રજૂ થયું છે ત્યાં ત્યાં મલ્લિકાના અભિનયની પ્રશંસા પામ્યું છે.
અત્યારે મલ્લિકાનો ગુજરાતી ફિલ્મ જગત સાથેનો સંપર્ક સાવ છૂટી ગયો છે. તેઓ પોતાની માતાએ સ્થાપેલી ‘દર્પણ‘ સંસ્થામાં સંસ્થાના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે અને પોતાના પુસ્તક પ્રકાશનનાં વ્યવસાયમાં આજકાલ ગળાડૂબ છે.