વિવાહની મર્યાદાઓ

વિવાહ સંબંધની મર્યાદાઓ

વિવાહ સંબંધની કેટલીક મર્યાદાઓનું પાલન દરેક હિંદુએ કરવાનું હોય છે. હિંદુ ધર્મશાસ્‍ત્રો પ્રમાણે સગોત્ર લગ્‍નનો નિષેધ કરવામાં આવ્‍યો છે. લગ્‍નમાં વર અને કન્‍યા સમાન ગોત્રના ન હોવાં જોઇએ. ગૃહ્યસૂત્રોના સમયે સપ્રવર વિવાહનો નિષેધ કરવામાં આવ્‍યો હતો, પરંતુ સગોત્ર-વિવાહનો નિષિ‍દ્ઘ મનાવા લાગ્‍યો. સ્‍મૃતિકાલમાં તો સગોત્ર-વિવાહ પૂર્ણરૂપે નિષિ‍દ્ઘ ગણાયો. મનુ (3, 5) અનુસાર જે કન્‍યા માતાની સપીંડ જ હોય અને પિતાની સગોત્રી જ હોય તેવી કન્‍યા દ્વિજોને માટે ધર્મ અને પ્રજોત્‍પતિના કાર્યમાં પ્રશસ્‍ત છે. મધ્‍યકાલીન નિબંધકારોના સમયમાં તો સગોત્ર વિવાહ પૂર્ણતયા નિષિ‍દ્ઘ હતો અને તેનું કઠોરતાપૂર્વક પાલન થતું. આધુનિક \’હિંદુ કોડબિલ\’માં સગોત્ર વિવાહની છૂટ આપવામાં આવી છે. ભારતીય આર્ય હિંદુ સમાજમાં ધર્મક્ષેત્રે અને વ્‍યવહારક્ષેત્રે ગોત્રની મહતા અને ઉપયોગીતા સમજાવતાં મ.મ. કાણે જણાવે છે કે સગોત્ર કન્‍યાઓનો  વિવાહ નિષિ‍દ્ઘ મનાતો. ડો. રાજબલી પાંડેય અનુસાર સગોત્ર વિવાહનો પ્રતિષેધ કેવળ ભારતમાં જ નહીં પણ જગતના અન્‍ય ભાગોમાં પણ પ્રચલિત રહ્યો હશે. એક એથેનિયન પુરુષ પોતાની જાતિની એક એથેનિયન સ્‍ત્રી સાથે લગ્‍ન કરી શકે, પણ તે સગોત્ર ન હોવી જોઇએ. જે આદિમ સમાજોમાં ગોત્રવ્‍યવસ્‍થા ન હતી ત્‍યાં ટોટેમ (ધાર્મિક ચિહ્ન) એક સમુદાયને બીજા સમુદાયથી છૂટો પાડતો.

હિંદુ ધર્મશાસ્‍ત્રમાં સમાન પ્રવરની કન્‍યા સાથે પણ લગ્‍નની મનાઇ છે. પ્રવર એટલે એક, બે કે તેથી વધુ પૂર્વજ ઋષીઓનો સમુહ. આવા બહુ પ્રતિષ્ઠિત ઋષીઓ પ્રવર મનાયા અને પ્રવરપ્રથા શરૂ થઇ. આ નિષેધમાં મૂળ કારણ શરીરના અંગો અને લોહીની સમાનતાના સંભવિત વારસાનું હતું. કોઇ જાણી જોઇને સગોત્ર કે સપ્રવર વિવાહ કરે તો તે જાતિચ્‍યુત બનતી અને એનાથી ઉત્‍પન્‍ન પુત્ર \’ચાંડાલ\’ મનાતો. કેટલાક સુધારકોના મતે ગોત્રપ્રવરના પ્રવર્તક ઋષીઓ હજારો વર્ષ પૂર્વે થઇ ગયા એટલે આ પ્રથા ઉપેક્ષણીય છે.

સગોત્ર વિવાહની જેમ પોતાની જાતિની બહાર વિવાહ કરવાનો પણ નિષેધ હતો. સવર્ણ વિવાહ સર્વથા માન્‍ય હતો. વેદકાલમાં જાતિનું સ્‍વરૂપ નિશ્ર્ચિત નહોતું થયું એટલે સવર્ણ વિવાહનો દ્રઢ આગ્રહ નહોતો રખાતો. શતપથબ્રાહ્મણ (4, 1, 5) અનુસાર ચ્‍યવન ઋષીનો વિવાહ શર્યાત રાજાની પુત્રી સુકન્‍યા સાથે થયો હતો. ધર્મસૂત્રોના સમયે અસવર્ણ વિવાહ નિંદ્ય મનાતો. મનુ (3, 12) સવર્ણ વિવાહને સર્વોતમ માને છે. યાજ્ઞવલ્‍કય (1, 57) અનુસાર દ્વિજોએ શુદ્ર કન્‍યા સાથે વિવાહ ન કરવો જોઇએ. અંતર્વર્ણ સંબંધોમાં અનુલોમ લગ્‍ન (ઉચ્‍ચ વર્ણના પુરુષનું નિમ્‍ન વર્ણની સ્‍ત્રી સાથે થતું લગ્‍ન)ની નહિ. ઇ.સ.ની ૯મી-૧૦મી સદી સુધી અનુલોમ લગ્‍નો થતાં રહ્યાં, ધીમે ધીમે એનું પ્રચલન ઓછું થતું ગયું. અભિલેખોમાં પણ અંતર્જાતીય વિવાહના ઉલ્લેખ મળે છે. પ્રભાવિત ગુપ્‍તના અભિલેખ (ઇ.સ. ૫મી સદીનો આરંભ) માંથી જણાય છે કે તે સમ્રાટ ચંદ્રગુપ્‍તની પુત્રી હતી અને એનો વિવાહ વાકાટક કુલના રાજા રુદ્રસેન સાથે થયો હતો. વાકાટક રાજાઓ બ્રાહ્મણ હતા. વિજયનગરના રાજા બુક્ક ૧લા (ઇ.સ. ૧ર૬૮-૧ર૯૮)ની પુત્રી વિરૂપાદેવીનો વિવાહ  આરગ પ્રાંતના પ્રાંતપતિ બ્રહ્મ અર્થાત્ બોમણ્‍ણ બોદેય નામના બ્રાહ્મણ સાથે થયો હતો. જોધપુરના બાઉકના અભિલેખમાં પ્રતિહાર વંશના સંસ્‍થાપકની ઉત્‍પતિ એક બ્રાહ્મણપુત્ર હરિશ્ર્ચંદ્ર તથા ક્ષત્રિયકન્‍યા ભદ્રાથી થઇ હતી.

સંસ્‍કૃત સાહિત્‍યમાં પણ કેટલાક અસવર્ણ લગ્‍નોનાં ઉદાહરણ મળે છે. કાલિદાસના \’માલવિકાગ્નિમિત્ર\’ નાટકમાં નાયક બ્રાહ્મણવંશમાં ઉત્‍પન્‍ન પુષ્‍યમિત્ર શુંગના પુત્ર અગ્નિમિત્રે ક્ષત્રિય રાજકુમારી માલવિકા સાથે વિવાહ કરેલો, જે અનુલોમ વિવાહનું દ્રષ્‍ટાંત છે. કનોજના રાજા મહેન્‍દ્રપાલના ગુરુ રાજશેખરની પત્‍ની અવંતિસુંદરી ચાહુઆણ (ચૌહાણ) નામના ક્ષત્રિય કુળમાં જન્‍મેલી.

સ્‍મૃતિકાલમાં દ્વિજો વચ્‍ચે અસવર્ણ વિવાહ નિષિ‍દ્ઘ હતા. બીજા વર્ણની કન્‍યા સાથે વિવાહ કરવાથી મહાપાતક લાગે એમ મનાતું.

જ્ઞાતિપ્રથાની ચુસ્‍તતાં વધતાં દ્વિજવર્ણોમાં પણ પરસ્‍પર વિવાહ બંધ થઇ ગયા. સમય જતાં લગ્‍નસંબંધ પોતાની જ્ઞાતિમાં જ, પોતાની પેટાજ્ઞાતિમાં જ અને પોતાના ગોળમાં જ બંધાય તેવી ચુસ્‍ત મર્યાદાઓ પ્રચલિત થઇ. કોઇ એ મર્યાદાનો ભંગ કરતો તેને જ્ઞાતિબહિષ્‍કારનો તથા જ્ઞાતિદંડનો ભય રહેતો. આ સંકુચિત મનોદશાને લીધે યોગ્‍ય છોકરા-છોકરીની પસંદગીનું ક્ષેત્ર ઘણું નાનું બની જતું ને ઉંમરના ને બુદ્ઘિનાં કજોડાં વધતાં જતાં, સમાજ સુધારાની સમજ ખીલતાં ઘણી જ્ઞાતિઓમાં પેટાભેદના અંતરાય નિવારતા ગયા. કયારેક આંતરજ્ઞાતિય, આંતરપ્રાદેશિક, આંતરધાર્મિક કે આંતરદેશીય સંબંધ પણ યોજાવા લાગ્‍યા.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors