કરોળિયા માટે સામાન્ય લોકો એવું માનતા હોય છે કે રેશમના તારનું જાળું ગૂંથ્યા પછી તેમાં શિકારના આગમનને ટાંપી રહેતા એ બગભગત જરાય હલેચલે નહિ. માન્યતા ખોટી નથી, છતાં અનેક જાતના કરોળિયા અમુક સીઝનમાં હજારો કિલોમીટર લાંબો પ્રવાસ ખેડે છે. પંખીડાંની જેમ તેઓ સ્થળાંતર કરી જાણે છે. પ્રવાસ શરૂ કરવા માટે પહેલાં સરેરાશ કરોળિયો ઊંચા ખડક પર, ઝાડની ટોચ પર કે થાંભલા પર ચડી રેશમનો તાર કાઢે છે. ક્યારેક તે સૌ પ્રથમ લંગર જેવું ટોચકું ગૂંથે છે અને પછી તેના સાથે જોડાયેલો બારીક તાર બનાવવા માંડે છે. પવનમાં એ ટોચકું ખરેખર ટચૂકડી અમથી પતંગનું કાર્ય બજાવતું જાય તેમ કરોળિયો વધુને વધુ તાર કાઢી ઢીલ મૂકતો રહે છે—અને દરમ્યાન પગ વડે તે પાંદડાને કે ખડકને બરાબર પકડી રાખવાનુંયે ચૂકતો નથી. તારણશક્તિ વધાર્યા કરતો રેશમી તાર છેવટે એટલો લાંબો થાય છે કે કરોળિયાના વજનને તે આસાનીપૂર્વક પકડી લે. કરોળિયો એ વખતે જમીનથી પકડ છોડી હવામાં ઝુલાવાનું શરૂ કરી દે છે.