નિષ્ણાતોના મતે જીવડાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રકાશ તરફ આકર્ષાય છે. ઉત્ક્રાંતિ દરમ્યાન કુદરતે જીવડાંમાં પ્રકાશ માટેનું આકર્ષ પેદા કર્યું છે, કારણ કે તેના આધારે તેઓ ખોરાકને તેમજ માદાને શોધે છે. દાખલા તરીકે કપાસનાં અમુક ફૂદાં ચંદ્રના પ્રકાશ વડે દોરવાતાં આગળ વધીને એ પાકનાં ખેતરો સુધી પહોંચે છે. આ ફૂદાં ટચૂકડી એન્ટેના વડે સજ્જ હોય છે. એન્ટેનાની ટોચનો પડછાયો આંખના ચોક્કસ બિન્દુ પર સતત પડ્યા કરવો જોઈએ—અને જો ન પડે તો ફૂદાં તેને પાછો બિન્દુ પર લાવવા માટે પોતાનો માર્ગ તેમજ દિશા બદલે છે. પરિણામે તેઓ અંધારી રાત્રેય સહેજ પણ રસ્તો ભૂલતાં નથી. કપાસની જેમ તમાકુનાં પાંદડાં ખાનારાં ફૂદાં પણ એ જ રીતે ચંદ્રના પ્રકાશ વડે રસ્તો શોધી કાઢે છે. એન્ટેનાની ટોચના સૂક્ષ્મ પડછાયાને તેઓ પણ આંખના ચોક્કસ ‘સ્પોટ‘ પર કેન્દ્રિત રાખીને પ્રવાસ ખેડે છે.
હવે ક્યારેક રાતના સમયે એવું થાય કે જેને તેમણે ચંદ્રનો ગોળો સમજી લીધો હોય તે વીજળીનો ગોળો હોય, ચંદ્રનો નહિ. મીણબત્તીને પણ કદાચ તેઓ ચંદ્ર સમજી લે. આ જાતના પ્રકાશસ્ત્રોતની ખૂબ નજીક ગયા બાદ પેલો બારીક પડછાયાને આંખના કેન્દ્રમાં રાખવા માટે તેમણે શું કરવાનું રહે તે વિચારો. જીવડાં સતત ગોળ સર્કલમાં ચકરાવા માર્યા કરે તો જ પડછાયો જ્યાંનો ત્યાં જળવાય, બરાબર આખરે ટર્ન પર ટર્ન મારવા જતાં સરેરાશ જીવડું બત્તી જોડે ટકરાય છે. માનો કે બત્તી નહિ, પણ મીણબત્તી હોય તો જીવડું તરત જ બળી મરે છે !