સ્વાસ્થ્ય આપનાર લીંબુ
પરિચય :
લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે.
લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે લાભપ્રદ છે.
લીંબુના ગુણ-
લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. રોગી અને નિરોગી વ્યક્તિ બંને લીંબુનો ઉપયોગ કરી શકે છે. અરુચિ દૂર કરીને તેમજ રુચિ વધારનાર છે. લીંબુના સેવનથી પેટ તથા રક્ત સંબંધી વિકારો દૂર થાય છે.
ગરમીમાં :-
ઉનાળાની ઋતુમાં લીંબુનો પ્રયોગ લાભપ્રદ છે. મિશ્રી (સાકર)માં લીંબુ નીચોવીને પીવાથી લૂ શીઘ્ર દૂર થાય છે. ગરમીમાં ભોજન ન પચવાથી ઝાડા થઈ જાય ત્યારે લીંબુના રસમાં ડુંગળી તથા ફુદીનાના રસનું મિશ્રણ કરીને લેવાથી રાહત મળે છે.
મલેરિયા :-
વાસણમાં એક કિલો પાણી લઈને તેમાં લીંબુને પકાવો. જ્યારે પાણી અડધું રહી જાય, તે સામાન્ય ગરમ હોય તેવું દર્દીને પીવડાવો. ત્યારબાદ ધાબળો અથવા રજાઈ ઓઢાડી દેવી. તેના કારણે મૂત્ર અથવા પરસેવા દ્વારા તાવની ગરમી બહાર નીકળી જાય છે.
મોતિયો :-
જે વ્યક્તિને મોતિયો આવવાની શરૂઆત જ હોય તેમણે લીંબુનાં રસને ફલાનીન નામના કપડાંથી ગાળી લઈને, સવાર-સાંજ નિયમિત આંખોમાં ૩-૪ ટીપાં નાંખવાથી રાહત થાય છે.
ઊલટી :-
એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ તથા મધ લેવાથી ઊલટી બંધ થાય છે.
તાવ :-
બે લીંબુના રસની બરાબર માત્રામાં એક રતી મરી અને મીઠું બે રતી મેળવીને રાત્રે લઈને સૂઈ જવાથી સવાર સુધીમાં તાવ ઓછો થઈ જશે.
પાયોરિયા :-
દાંતમાંથી પસ અથવા લોહી નીકળતું હોય. દુર્ગંધ આવતી હોય તથા દાંત કમજોર હોય તેમણે લીંબુના રસ વડે દાંત પર માલિશ કરવાથી દાંત સ્વચ્છ, તંદુરસ્ત બને છે.
હરસ-મસા :- રાત્રે એક લીંબુની છાલને થોડાં ઠંડા પાણીમાં પલાળી રાખો અને સવારે પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
મોંના ચાંદા :-
લીંબુના રસનાં કોગળા કરવાથી રાહત મળે છે.
લીંબુમાં ત્વચાને શુદ્ધ કરવાનો વિશેષ ગુણ છે.તે દરેક ફોલ્લીઓ, દાદર, ખરજવું વગેરે પર લગાડવાથી રાહત મળે છે.
લીંબુના ગુણ
આવા ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્વનું સ્થાન આપવું જરૂરી છે.
મોસંબી, સંતરાં, ચકોતરાં, પપનસ, બિજોરાં વગેરે લીંબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.
ગુણધર્મ :
લીંબુ ખાટું, ઉષ્ણ, પાચન, દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકર, તીખું અને તૂરું છે. એ કફ, ઉધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજિયાત, કોલેરા, ગુલ્મ અને આમવાતને દૂર કરનાર, કૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ઘ રહેવાથી તંદુરસ્તી જળવાય છે. લીંબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.