હિંદુઓના જીવનનો અંતિમ સંસ્કાર અંત્યેષ્ટી છે, જેની સાથે એના આ ઐહિક જીવનનો અંતિમ અધ્યાય પૂરો થાય છે. મરણ પછીની આ છેલ્લી ક્રિયાને ‘અંત્યેષ્ટી ઇષ્ટિ’ (છેલ્લો યજ્ઞ) કહે છે. જીવનકાલ દરમ્યાન પ્રત્યેક હિંદુ પોતાની પ્રગતિના ભિન્ન ભિન્ન સ્તરો પર વિવિધ ક્રિયાઓ અને વિધિવિધાનો કરે છે. મૃત્યુ બાદ પરલોકમાં ભાવિ સુખ તથા કલ્યાણ માટે એનો અંતિમ સંસ્કાર કરાય છે. બૌધાયન પિતૃમેધસૂત્ર (3, 1, 4) અનુસાર જન્માંતર સંસ્કારો દ્વારા વ્યકિત આ લોકને જીતે છે, તેમજ મરણોતર સંસ્કાર દ્વારા પરલોકને.