બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે.
નિષ્ક્રમણ સંસ્કારઃ
નિષ્ક્રમણ એ શિશુને પહેલીવાર વિધિપૂર્વક ઘરની બહાર લાવવાનો સંસ્કાર છે. આ સંસ્કાર પ્રસંગે तच्चक्षुर्देवहितम् (પાર. ગૃહ્ય. સૂ. 117,5,6) એ મંત્રોનું ઉચ્ચારણ થાય છે.
વૈદિક સાહિત્યમાં આ પ્રથાનો કોઇ પણ ઉલ્લેખ નથી. ગૃહ્યસૂત્રોમાં આપેલી વિધિ અનુસાર પિતા બાળકને બહાર લઇ જાય છે અને ઉપર્યુકત મંત્રના ઉચ્ચારણ સાથે એને સુર્યનું દર્શન કરાવે છે. અનુકાલીન સ્મૃતિઓ અને નિબંધોમાં આ સંસ્કાર સંબંધી પ્રથાઓ તથા કર્મકાંડનું વર્ણન આવે છે.
સમયઃ
નિષ્ક્રમણ સંસ્કાર બાળકના જન્મ પછી બારમા દિવસથી ચોથા માસ સુધી ભિન્ન ભિન્ન સમયે થતો હોય છે. ભવિષ્ય પુરાણ અને બૃહસ્પતિ સ્મૃતિ આ સંસ્કાર માટે બારમા દિવસનું વિધાન કરે છે. ગૃહ્યસૂત્રો અને સ્મૃતિઓ અનુસાર જન્મ પછી ત્રીજા કે ચોથા માસમાં આ સંસ્કાર કરવાનો હોય છે. યમસ્મૃતિ અનુસાર ત્રીજા માસમાં સૂર્યદર્શન અને ચોથા માસમાં ચંદ્રદર્શન કરાવવાનું હોય છે. આશ્ર્વલાયન અનુસાર સંજોગોવસાત્ જો આ સંસ્કાર સમયસર ન થઇ શકે તો અન્નપ્રાશનની સાથે કરાતો.
વિધિઃ
ગૃહ્યસૂત્ર અનુસાર માતા પિતા આ સંસ્કારને સંપન્ન કરે છે. મુહૂર્તસંગ્રહના મતે આ સંસ્કારને સંપન્ન કરવા મામાને આમંત્રણ અપાય છે. વિષ્ણુ-ધર્મોતરમાં ધાત્રી દ્વારા શિશુને બહાર લાવવાનું વિધાન કરાયું છે. આ સંસ્કાર કરવા માટે ચોકકસ દિવસે આંગણામાં જયાં સૂર્ય દેખાય તે ભાગને છાણમાટીથી લીપી એના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી� ધાન્યના કણ વેરવામાં આવે છે. બાળકને અલંકૃત કરી કુલ-દેવતા સામે લઇ જવાય છે. વાદ્ય સંગીત સાથે દેવતાઓની પૂજા કરાય છે. શંખધ્વનિ અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે શિશુને બહાર લવાય છે. સૂર્યદર્શન પછી બાળકને કોઇ દેવાલયમાં લઇ જવાય છે. ધૂપ, પુષ્પ અને માલાથી દેવાર્ચન થાય છે. બ્રાહ્મણના આર્શીવાદ બાદ બાળકને મંદિરની બહાર લાવી મામાના ખોળામાં અપાય છે. મામા બાળકને ઘેર પાછો લાવે છે.
કેટલીક વાર થોડી જુદી વિધિ પણ કરવામાં આવે છે, જેમાં અલંકૃત બાળકને પિતા દ્વારા કોઇ વાહન પર કે સ્વયં મામા દ્વારા બહાર લેવાય છે. બાળકને છાણ અને માટીથી લીંપેલા પવિત્ર સ્થાન પર રખાય છે. રક્ષાવિધિ પછી મૃત સંજીવની મંત્રનો જપ કરાય છે. અંતે ગણેશ અને શિવનું પૂજન થાય છે.
મહત્વઃ
આ સંસ્કારનું વ્યવારિક તાત્પર્ય એ છે કે નિશ્ર્ચિત સમય બાદ બાળકને ઘરની બહાર લાવવામાં આવે છે. વસ્તુતઃ આ બાળકના જીવનનું મહત્વપૂર્ણ સોપાન છે, જેમાં બાળકને બાહ્ય જગતનો પ્રથમ પરિચય કરાવવામાં આવે છે, અને બાળક ઘરની બહારના જગતના પ્રથમ સંપર્કમાં આવે છે.