વિદ્યારંભ સંસ્કાર
શૈક્ષણિક સંસ્કારો
શૈક્ષણિક સંસ્કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્નાન) સંસ્કારોનો સમાવેશ થાય છે.
વિદ્યારંભ સંસ્કાર
સમયઃ
આ સંસ્કાર કરવા માટે કાર્તિક સુદ ૧રથી આષાઢ સુદ ૧૧ના દિવસ સુધીનો સમય શુભ ગણાય છે. ૧લી, ૬ઠ્ઠી અને ૧૫મી તથા રિકતા (૪,૯ અને ૧૪) તિથિઓ તેમજ રવિવાર અને મંગળવાર સિવાયના દિવસોએ આ સંસ્કાર પ્રયોજાય છે.
સૂર્ય જયારે ઉતરાયણ (મકરથી મિથુન રાશિમાં-રરમી ડિસેમ્બરથી ર૧મી જૂન)માં હોય ત્યારે શુભ દિવસે આ સંસ્કાર કરાય છે.
વિધિઃ
આરંભમાં બાળકને સ્નાન કરાવી અલંકૃત કરવામાં આવે છે. એ પછી હરિ, લક્ષ્મી અને સરસ્વતીનું પૂજન થાય છે. અગ્નિમાં ઘીની આહુતી અપાય છે. ગુરુ પૂર્વ તરફ મુખ રાખીને બેસે છે અને બાળકને પશ્ર્ચિમ તરફ મુખ રાખીને બેસાડવામાં આવે છે. ચાંદીના ફલક (પાટી) પર કેસર, ચોખા વગેરે પાથરવામાં આવે છે અને સોનાની કે રૂપાની લેખિની વડે એના પર અક્ષર પાડવામાં આવે છે. સામાન્ય લોકોના બાળકો માટે વિશેષ પ્રકારની લેખિનીનો ઉપયોગ કરાય છે. બાળક ગુરુના આર્શીવાદ મેળવે છે અને ગુરુને દક્ષિણા અપાય છે, જેમાં એક પાઘડી અને સાફો ભેટ અપાય છે અને સંસ્કાર પૂર્ણ થાય છે. ઉપનયન પહેલાં શિક્ષણ પ્રાપ્ત કરતા આવા વિદ્યાર્થીઓને ‘દંડમાણવકો’ કહેતા.
મુસ્લિમોમાં પણ અક્ષરારંભ સંસ્કાર કરાય છે, જેને ‘બિસ્મિલ્લા ખાનિ’ કહે છે. આ સંસ્કાર પાંચમા વર્ષના ચોથા માસના ચોથા દિવસે કરાય છે. મુઘલ સમ્રાટ હુમાયૂં જયારે પાંચ વર્ષ, ચાર માસ અને ચાર દિવસનો હતો ત્યારે તેને મદ્રેસામાં મૂકવામાં આવ્યો હતો અને અક્ષરારંભનો સમારોહ ઊજવાયો હતો (શાહજહાંનામા, એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, પૃ. ૪૫).
આધુનિક કાલમાં વિદ્યારંભ પ્રાયઃ આસો સુદ ૧૦ (વિજયાદશમી-દશેરા)ના દિવસે કરાય છે. બાળક ગુરુનું સમ્માન કરી ओम नम: सिध्दम પાટી પર લખે છે.
મહત્વઃ
પુરાતન કાલમાં ઉપનયન સંસ્કાર, જે છેક વૈદિક કાળથી પ્રવર્તમાન હતો, તેનાથી વિદ્યારંભ થતો, એટલે વિદ્યારંભ જેવા જુદા સંસ્કારની આવશ્યકતા નહોતી. બાળકોનું શિક્ષણ સ્વાભાવિક રીતે જ વૈદિક મંત્રોને કંઠસ્થ કરવાથી થતું. આથી વૈદિક અભ્યાસના આરંભે કરવાનો ઉપનયન સંસ્કાર શિક્ષણના આરંભકાળે કરવાનો એક-માત્ર વિધિ હતો. વખત જતાં વૈદિક સંસ્કૃત બોલાતું બંધ થયું અને વૈદિક સૂકતોને યાદ રાખતાં પહેલાં અક્ષરજ્ઞાનનું પ્રાથમિક શિક્ષણ આવશ્યક બન્યું. આમ પ્રાથમિક શિક્ષણના આરંભરૂપે વિદ્યારંભ સંસ્કાર દાખલ કરવામાં આવ્યો.