નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ
નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર સ્વરૂપે પૂજાય છે.સ્કંદપુરાણમાં હાટકેશ્વરનું પ્રાગટ્ય અને મહત્તાનું વર્ણન છે. ઉત્તર ગુજરાતનું વડનગર પુરાણકાળમાં મોટું અરણ્ય હતું જે હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાતું. જયાં હાલમાં વડનગર છે
શ્રી હાટકેશ્વરનું શિવાલય ઠીક ઠીક પ્રાચીન છે. સીમા પર આવેલા આ નગર પર વારંવાર હુમલા થવાને કારણે તેનો ફરી ફરી જીર્ણોદ્ધાર થયા કર્યો છે. પુરાતત્વવિદો આ મંદિરને ચારસોએક વર્ષ પુરાણું માને છે. સોલંકીયુગ પછી બંધાયેલાં મંદિરોમાંનું આ એક મહત્વનું અને ભવ્ય શિવાલય છે. તેની ફરતે વેદીમાં વિષ્ણુના દશ અવતારો અને પૌરાણિક કથાઓની શિલ્પકૃતિઓ છે. આ ઊંચા શિખર સામે ગર્ભદ્વાર અને શ્રૃંગારચોકીના સ્તંભો પરની કલાત્મક અને સુંદર કમાનોથી મંદિર શોભી રહ્યું છે. વડનગરની મધ્યમાં વિશાળ શર્મિષ્ઠા તળાવ અને ઓવારાવાળું અને પથ્થરબંધ છે. ત્યાંથી થોડે દૂર શામળશાની ચોરી નામે ઓળખાતાં બે તોરણો છે. સોલંકીકાળનાં સુંદર તોરણોમાંનાં અવશિષ્ટ રહેલાં તોરણોમાં આ તોરણો સારી હાલતમાં છે. અગાઉ કપડવણજમાંનાં આવાં તોરણોનો ઉલ્લેખ કર્યો હતો. તો મહેસાણા જિલ્લાના પિલુદ્રામાં પણ આવું તોરણ છે. વડનગરમાં ૧૪ મીટરની ઊંચાઈનો કીર્તિસ્તંભ, શહેરને ફરતો કુમારપાળે બંધાવેલો કોટ, શહેરમાં પ્રવેશવા માટેના ચાર ખૂણાના ચાર દરવાજાના રહ્યાંસહ્યાં ખંડેરો ભવ્ય ભૂતકાળનો અણસાર આપે છે.
મહેસાણાથી તારંગાહિલ તરફ જતાં લગભગ ૩૫ થી ૪૦ કિલોમીટર દૂર વડનગર ગામ આવેલું છે. આ શહેરની બહાર અર્જુનબારીનો દરવાજો છે. જે નાક દરવાજા તરીકે પણ ઓળખાય છે. ત્યાં હાટકેશ્વર મહાદેવનું પવિત્ર તીર્થસ્થળ આવેલું છે. હાટકેશ્વર મહાદેવ એ ગુજરાતના ને સારાયે ભારતવર્ષના નાગરોના આરાધ્ય દેવ કે કુળદેવ ગણાય છે.
ભગવાન વિષ્ણુના એક અવતાર વામને ગજ્ઞમાં વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે તેમણે પહેલું પગલું વડનગરમાં મૂકેલું. આ ગામ પહેલાં ‘ચમત્કારપુર‘ તરીકે ઓળખાતું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો પણ અહીં આવ્યા હતા. નરસિંહ મહેતાના પુત્ર શાળમશાનો વિવાહ અહીં થયો હતો. ભગવાન ખુદ જાન લઈને આ સ્થળે પધાર્યા હતા.
અમુક ઇતિહાસવિદોનું માનવું છે કે નાગરબ્રાહ્મણો કાશ્મીરની ઉત્તરેથી ભારત-વર્ષમાં આવ્યા. ગમે તેમ ગણો તોય લોકવાયકા પ્રમાણે લોહીની શુદ્ધિ જાળવીને એક જાતિ તરીકે આવી વસનાર નાગર જ્ઞાતિ ગુજરાતના ઇતિહાસમાં શૂરવીર, વિદ્વાન-કલા અને વિદ્યાપ્રીતિ ધરાવતી? તથા મુત્સદ્દી જાતિ તરીકે જાણીતી છે. નાગરબ્રાહ્મણોએ માત્ર યજમાનવૃત્તિ કરી જાણી નથી, પરંતુ કલમ, કડછી અને બરછી ચલાવવામાં પણ કુશળતા પ્રાપ્ત કરી છે.‘ નાયરોમાંય આમ એક સૂક્ષ્મ ભેદ છે. યજમાનવૃત્તિ કરે એ નાગરબ્રાહ્મણ અને તે સિવાયના માત્ર ‘નાગર‘ તરીકે ઓળખાયા.