વર્ષાઋતુમાં સૌંદર્ય માણવું તે જિંદગીની ઉત્તમ પળ છે. ઘણાં કવિઓ, તેમની ઉત્કૃષ્ટ કાવ્ય રચના વર્ષાઋતુ દરમિયાન કરે છે.
આછાં વાદળવાળું આકાશ, ઝરમર વરસાદ, લહેરાતાં લીલાછમ વૃક્ષ – છોડ અને પાંદડા, ભીની માટીની સુગંધ વગેરે દરેક વ્યક્તિને આનંદદાયક લાગે છે. કેટલાક લોકો એવા પણ છે જેમની આંખને વર્ષાઋતુનું કુદરતી સૌંદર્ય ગમે છે પરંતુ તેમના પેટને કારણે આ કુદરતી સૌંદર્ય માણી શકતા નથી. વર્ષાઋતુના આગમન સાથે એક નાનો રોગ શરૂ થાય છે જે છે મરડો. મેડીકલ ભાષામાં અમીબીયાસીસ કે અમીબીક ડીસેન્ટ્રઈ નામે ઓળખાય છે.
આ પેટના દર્દમાં સૌથી પહેલા માનસિક થાક – બેચેની લાગે છે. કામ કરવાનું મન થાય નહીં, પછી કરીશું તેમ વિચાર આવે, તે સાથે પેટમાં ગુડ ગુડ કે ધીમી ચૂંક આવે અને દિવસના બે થી ત્રણ પાતળા ચીકાશવાળા ઝાડા થાય. કેટલીક વાર થોડા દિવસ ઝાડા પછી થોડા દિવસ માટે કબજીયાત રહે. પછી પાછાં ફરીથી ઝાડા શરૂ થાય. ઝાડામાં ચિકાશ અને વિચિત્ર વાસ આવવાનું ચાલુ રહે.
ખોરાકની અરુચિ, ભૂખ ન લાગવી, ગેસ, એસીડીટી થવી તે વધારાના લક્ષણો છે. કેટલાક દર્દીને ધીમો તાવ કે શરીર ગરમ રહેતું હોય તેવો અનુભવ થાય છે અને વારંવાર ઝાડા થતા હોવાને કારણે પાઈલ્સ કે હરસ થવાની શક્યતા રહેતી હોય છે.
ઉપર જણાવેલી આટલી બધી તકલીફ સાથે દર્દીમાં શિથિલતા આવી જાય છે. કામકાજ કરવાનું મન ન થાય અને આ દર્દમાંથી કેવી રીતે કાયમી મુક્ત થવું એ સમજ પડતી નથી. કારણ કે વારંવાર ઉથલો મારવો તે આ રોગની ખાસિયત છે.
મરડાની વિલાયતી દવાનો વારંવાર કોર્સ કરવાથી અસીડીટી પણ થતી હોય છે. જો આ રોગની યોગ્ય સારવાર ન લેવામાં આવે તો તેને કારણે લીવરમાં પરૂ થવાની શક્યતા રહે છે તે સાથે પેટમાં સોજો, કમળો, ડીપ્રેશન વગેરે થવાની શક્યતા રહે છે. આ રોગનું નિદાન સાદા સ્ટુલ ટેસ્ટથી થઈ શકે છે. સ્ટુલ ટેસ્ટમાં ઈ હીસ્ટોલાયટીકા નામના જીવાણું જોવા મળે છે. આ જટીલ રોગની સરળ સારવાર હોમીયોપેથિક વિજ્ઞાન પાસે છે. મરડો ન થાય તે માટે કેટલાક સૂચનો :
* બહારનો ખોરાક ન લેવો
* પાણી ઉકાળીને પીવું
* બ્રેડ, મેંદો, મીઠાઈ વગેરે પવામાં ભારે ખોરાક ન લેવો.
* મોડી રાતે જમવું નહીં.
વર્ષાઋતુના શ્રાપને હોમિયોપેથીક દવા દ્વારા આશિર્વાદમાં બદલી શકાય છે અને વર્ષોના વર્ષો સુધી ચાલતા મરડાનો સુખદ અંત આવી શકે છે.
માદક પદાર્થો
માદક પદાર્થોમાં હિંદુસ્તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મદિરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને ‘એરક’ (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારૂઓનો કંઇ પાર નથી. આ બધા સર્વથા ત્યાજય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઇ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાને ખુવાર કર્યા છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.
એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. મને એ દલીલમાં કંઇ વજૂદ નથી લાગ્યું. પણ ઘડીભર એ દલીલનો સ્વીકાર કરીએ તોપણ અનેક માણસો જે મર્યાદામાં રહી જ નથી શકતા તેમને ખાતર પણ એ વસ્તુનો ત્યાગ કરવો ઘટે છે.
તાડીનું સમર્થન પારસી ભાઇઓ તરફથી પુષ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદકતા છે ખરી, પણ તાડી ખોરાક છે અને સાથે સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વિચારી છે, અને એ વિશે સારી પેઠે વાંચ્યુ છે. પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઇ છે તે ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરૂર નથી.
શરાબથી થતી બદીનો જેટલો મને કડવો અનુભવ થયો છે, તેટલો જાહેર કામ કરનારા સેવકોમાંના કોઇને થયેલો મારી જાણમાં નથી. દક્ષિણ આફ્રિકામાં ગિરમીટ (અર્ધ ગુલામી) માં જતા હિંદીઓમાંના ઘણાને શરાબ પીવાની આદત પડેલી હોય છે. ત્યાંના કાયદા પ્રમાણે હિંદીથી શરાબ ઘેર ન લઇ જવાય. પીવો હોય તેટલો પીઠા ઉપર જઇને પીએ. બૈરાઓ પણ તેનો ભોગ થયેલાં હોય છે. તેઓની જે દશા મેં જોઇ એ અત્યંત કરુણાજનક હતી. તે જોનાર કોઇ દિવસ દારૂ પીવાનું સમર્થન ન કરે.
ત્યાંના હબસીઓને સામાન્યપણે પોતાની મૂળ સ્થિતિમાં શરાબ પીવાની ટેવ નથી હોતી. તેઓને તો દારૂએ વિનાશ જ કર્યો છે એમ કહી શકાય.ઘણા હબસી મજૂરો પોતાની કમાણી શરાબમાં હોમતા જોવામાં આવે છે. તેઓનું જીવન નિરર્થક બની જાય છે. અને અંગ્રેજોનું સારા ગણાતા અંગ્રેજોને પણ મેં ગટરમાં આળોટતા જોયા છે. આ અતિશયોકિત નથી. લડાઇને વખતે જેને ટ્રાન્સવાલ છોડવું પડયું હતું એવા ગોરાઓમાંથી એકને મેં મારે ત્યાં રાખ્યો હતો. એ એન્જિનિયર હતો. શરાબ જ પીધો હોય ત્યારે એના લક્ષણ બધા સારા હતાં. થિયોસોફિસ્ટ હતો. પણ તેને શરાબ પીવાની લત હતી. જયારે એ પીએ ત્યારે તે છેક દીવાનો થઇ જતો. તેણે શરાબ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી જાણ પ્રમાણે છેવટ લગી તે સફળ ન થઇ શકયો.
દક્ષિણ આફ્રિકાથી દેશ આવ્યો ત્યારે પણ દુખઃદ અનુભવો જ થયા. કેટલાક રાજાઓ શરાબની કુટેવથી ખુવાર થયા છે અને થાય છે. જે રાજાઓને લાગુ પડે છે તે ઘણા ધનિક યુવકોને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. મજૂર વર્ગની સ્થિતિ તપાસીએ તો તે પણ દયાજનક જ છે. આવા કડવા અનુભવો પછી વાંચનાર આશ્ર્ચર્ય નહીં પામે કે હું કેમ મદ્યપાનનો સખત વિરોધ કરું છું.
એક વાકયમાં કહું તો મદ્યપાનથી મનુષ્ય શરીરે, મને અને બુદ્ઘિએ હીન થાય છે ને પૈસાની ખુવારી કરે છે