પૂજ્ય ડોંગરેજી મહારાજઃકથાકાર
નામઃરામચંદ્ર કેશવદેવ ડોંગરે
જન્મ : ૧૫-૨-૧૯૨૬(સંવંત ૧૯૮૨ ના ફાગણ સુદ ત્રીજ)ઇન્દોર
લગ્ન : ૧૯૪૯માં તેમના લગ્ન પેટલાદના પરશુરામ નાતુની પુત્રી શાલિનીદેવી
અભ્યાસઃ ગુરુ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે પુરાણો, વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો.
જીવન ઝરમરઃ
વિશેષ પરિચયઃમૂળ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પડદાવલી ગામના સંસ્કૃતના પ્રખર વિદ્વાન રામચંદ્ર ડોંગરેજી શાસ્ત્રી ગાયકવાડ સરકારના આગ્રહથી વડોદરામાં સ્થાયી થયા હતા. ડોંગરેજી મહારાજ તેમની ચોથી પેઢીએ થાય. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફાગણ સુદ-૩ને સોમવાર તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ તેમના મામાને ત્યાં પિતા કેશવ ગણેશ ડોંગરેના પરિવારમાં માતા કમલાવતીની કૂખે થયો હતો. ડોંગરેજીને એક ભાઈ પ્રભાકર અને એક બહેન સુશીલાબહેન હતાં. ધોરણ-૫ સુધીનો અભ્યાસ વડોદરામાં કર્યો અને ૮ વર્ષે ઉપનયન સંસ્કાર અપાયા હતા. તેમનું ગુપ્તનામ જ્ઞાનેશ્વર હતું. ત્યાર બાદ તેમણે અમદાવાદ સંન્યાસ આશ્રમ, વારાણસી અને પુણે ખાતે વેદ, દર્શન, ઉપનિષદો વગેરેના ગહન વિદ્યાભ્યાસ કર્યો અને જ્ઞાનવેદાંતની બનારસમાં ઉપાધિ પ્રાપ્ત કરી. બનારસમાં અભ્યાસ કરતાં વડોદરાના નરસિંહ શાસ્ત્રીના સંપર્કથી ભાગવત કથા સાંભળીને કથા કરવાની ઈચ્છા જાગી અને ૧૯૪૯માં વડોદરામાં પહેલી મરાઠી ભાષામાં કથા કરી. અનિચ્છા છતાં ૧૯૪૯માં તેમના લગ્ન પેટલાદના પરશુરામ નાતુની પુત્રી શાલિનીદેવી સાથે થયાં. ૨૪ વર્ષના દામ્પત્યજીવનમા; બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તેમણે સુપેરે પાળી અને ૧૯૮૦માં તેમનાં પત્નીએ વિદાય લીધી. સાસરીમાં સીતાદેવીના નામે જાણીતા શાલિની વીણા સારી વગાડતાં અને બાળકૃષ્ણનાં પદો ગાતાં. સાથી ભક્તો તેમને સંત સખુબાઈ કહેતા હતા.
નર્મદા-રેવાતટે વડોદરાથી ૬૦ કિ.મી.માલસર ખાતે અંગારેશ્વર અને સત્યનારાયણ મંદિરમાં ૩૦ વર્ષની વયે તેમણે પ્રથમ ગુજરાતી કથા કરી
ગુરુ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે પુરાણો, વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો. આવા તપરૂપ અધ્યયનના પરીણામે તેમના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો. વધુ અભ્યાસાર્થે તેઓ કાશી ગયા. અધ્યયનબાદ કથા કહેવાનું શરૂ કરતા સૌ પ્રથમ તેમની ભાગવત કથા પૂનામાં થઈ. કથામાં આવતી રકમ તેમણે મંદિરો – હોસ્પીટલોના નિર્માણ,જિર્ણોદ્વારમાં અર્પણ કરી. માત્ર કથાકાર જ નહીં પરંતુ ભાગવતના વાસ્તવિક દ્રષ્ટા અને વક્તા બની તેમણે કરેલી આ કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી હોય તેમ કથા મધુર અને પ્રેરક બની. ઓછા કટાક્ષ, અર્થસભર ટૂંકા દ્રષ્ટાંત અને શ્રોતાઓને ધર્મભાથુ ભરી દેવાનો ઈરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એની શૈલીમાં વિદ્વતા અને ભાષા પ્રભાવ અદભુત હતા અને ભાગવતની જેમ રામાયણમાં તેઓ શ્રોતાઓને રસતરબોળ કરી દેતા.
અવસાનઃકારતક વદ-૬ના રોજ સવારે ૯.૩૭ મિનિટે તેઓ બ્રહ્મલીન થયા