હવામાનમાં આવી રહેલા બદલાવને જાણીએ
આપણે સૌ આજની પ્રગતિના સાક્ષી છીએ. આજે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન થયા તેની સુખ-સગવડતાઓ માણી રહ્યા છીએ. છેલ્લા ર૦૦ વર્ષમાં જે સંશોધનો થયા તેમાં પણ આ ૬૦ વર્ષોમાં થયેલા સંશોધનોએ માનવીની જીવન શૈલીમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે અને હજુ પણ આ કયાં જઇને અટકશે તેની કલ્પના થઇ શકે તેમ નથી. દિવસે દિવસે વિજ્ઞાન ક્ષેત્રે જે સંશોધનો આવી રહ્યા છે તેની સાથોસાથ માનવીનો ઉપભોગતાવાદમાં જે વધારો થઇ રહ્યો છે તે જાણીને વૈશ્ર્વિક કક્ષાએ ભવિષ્યમાં કેવા પરિણામો લાવશે તે કહી શકાય નહીં પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે થયેલા અનેક સંશોધનોમાં એક હવામાન ક્ષેત્રે જે પરિવર્તનો આવી રહ્યા છે તે કલ્પી શકીએ તેમ નથી, માનવીની આર્થિક ભૂખને કારણે કોઇપણ રીતે સર્વોપરિતા પ્રાપ્ત કરવાની ઝંખનાને કારણે કુદરતી રીતે રહેતું પર્યાવરણનું સમતોલન ડામાડોળ થવા લાગ્યું છે, સમગ્ર વિશ્ર્વ ચિંતિત બનવા લાગ્યું છે, પરંતુ આજે હાથના કર્યા હૈયે લાગ્યા તેવી પરિસ્થિતીનું નિમાર્ણ થયું છે.
ગ્લોબલ વોર્મિગ શબ્દે ફરી પાછી તેની ભયંકરતા દર્શાવી છે. વૈશ્ર્વિક તાપમાનમાં થતા વધારાને કારણે ઘણી મોટી સમસ્યાઓ આવી રહી છે. તાજેતરમાં ૧૪મી એપ્રીલ ર૦૦૭, જર્નલ ઇન્વાયરોમેન્ટ એન્ડ અર્બનાઇઝેશનમાં જે અભ્યાસ કરીને તારણો મેળવવામાં આવ્યા છે. જે ચોકાવનારા છે. યુનાઇટેડ કિંગ્ડમ ખાતે આવેલા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયુટ ફોર ઇન્વાયરોમેન્ટ એન્ડ ડેવલોપમેન્ટના ગોર્ડન મેકગ્રાનારાન, કોલંબિયા યુનિવર્સિટી બ્રિડગેટ એન્ડરસને જે અહેવાલ અને તારણો આપ્યા છે તે ચોકાવનારા છે.
વૈશ્ર્વિક તાપમાનના કારણે ઉતર ધ્રુવ તેમજ દક્ષીણ ધ્રુવના બરફાચ્છાદિત વિસ્તારમાં થતો ઘટાડો કારણ કે તાપમાન વધતા બરફ પીગળવા લાગે છે તેમજ પર્વતોના ગ્લેસ્યિરમાં થતા ઘટાડાને વિચારતા કરી મૂકયા છે. આપણે ત્યાં ગંગા અને યમુના નદીઓ હિમાલયમાંથી નિકળે છે તેના ગ્લેસ્યિરનો વિસ્તાર ઘટી રહ્યો છે. તે જોતા નદીના પ્રવાહમાં ફેરફાર થાય છે પ્રવાહનો વેગ ઘટી પણ જાય તેવી દહેશત છે.
નીચાણવાળા સમુદ્રતટીય પ્રદેશો જે સમુદ્રથી ૧૦ મીટરની નીચાણવાળા ભાગો છે કે જયાં ઘણી માનવ વસ્તી રહેલી છે. તેને માટે સાવચેતી રાખવા જેવું છે. કારણ કે પૃથ્વીનું તાપમાન વધતા બરફાચ્છાદિત વિસ્તારો ઉત્તર અને દક્ષીણ ધ્રુવોનો બરફ પીગળતા પાણીની સપાટી ઉપર આવે તેમ છે ઉપરાંત વૈશ્ર્વિક તાપમાન વધવાને કારણે સમુદ્રના તાપમાનમાં ફેરફારો થાય તેને કારણે કોઇ જગ્યાએ હવાનું ઉંચું દબાણ તો કોઇ જગ્યાએ નીચું દબાણ થવાની દહેશત રહે તેને કારણે સમુદ્રીય તુફાનો આવે. તેને કારણે સમુદ્રીય મોજાં ૧૦ મીટર કરતા પણ ઉંચાઇએ આવે તો સમુદ્ર કિનારે નાના નાના ગામડાં વસેલા છે તેની સ્થિતિ શું થાય તેની કલ્પના કરવી રહી.
ઇ.સ. ર૦૦૦ના આંકડાઓ અનુસાર સમુદ્ર કિનારા ર૭ લાખ ચો. કિ.મી. જે દુનિયાના જમીનનો બે ટકાનો વિસ્તારમાં દુનિયાની ૧૦ ટકા વસતી રહેલી છે તેમાં આફ્રિકા, એશિયા, યુરોપ, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ, ઉત્તર અમેરિકા, નાના ટાપુઓના લગભગ ૬૩૪ લાખ લોકો રહે છે. તેમાં ચીનના ૧૪૩.૯ લાખ અને ભારત અને બાંગ્લાદેશના ૬૩.ર લાખ લોકોનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશના લોકો વધુ સમુદ્રીય તટીય પ્રદેશમાં રહે છે. તેમાં ગામડાઓ વધુ છે. તે વસતિ માટે મોટી સમસ્યાઓ હવામાનમાં થતાં ફેરફારો તેમજ વૈશ્ર્વિક તાપમાન વધવાથી ઉભી થશે. ગામડાઓની વસતી સમુદ્ર કિનારે માછીમારી તેમજ તેને લગતા વ્યવસાયમાં રોકાયેલ છે. જે અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તેમાં દરેક દેશની વસતી સમુદ્રકિનારા ૧૦ મીટરની ઉંચાઇ કરતા ઓછી ધરાવતા હોય તે વિસ્તારના લોકોની સંખ્યા સહિત જણાવવામાં આવે છે. સુનામી કે વાવાઝોડાઓને કારણે સમુદ્ર તુફાનો થાય તો તેની અસરો કેવી થશે અને તેને કારણે ઉભી થનારી સમસ્યાઓની જાણકારી આપી છે. તેથી સાવચેતીપૂર્વક આવી વસતીને થોડી વધુ ઉંચાઇએ ખસેડવાનું જણાવાયું છે. તેમજ ભારત માટે મુંબઇ ચેન્નાઇ અને કલકતાને કઇ રીતે અસરો થવાની સંભાવના છે તે જણાવાયું છે. આને માટે તરકીબ વ્યવસ્થા- કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાનું જણાવાયું છે. જેથી ભવિષ્યમાં નુકસાન જાનહાની ઓછી થાય. આપણે ૧૯૯૯માં ઓરિસ્સાનાં વાવાઝોડું તેમજ ર૦૦૪માં આવેલ સુનામી યાદ કરીએ. કેવી ખાનાખરાબી થઇ હતી. આથી બદલતા જતાં હવામાનના ફેરફારો તેમજ વૈશ્ર્વિક તાપમાનના વધારાને ધ્યાનમાં રાખી હવે પછીના પ્લાન તૈયાર કરી સમુદ્ર કિનારાની આસપાસના લોકોને યોગ્ય રીતે જાણકારી આપી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા દરેક સમુદ્રીય તટીય વિસ્તારના લોકોને તાલીમ આપવી જોઇએ તેમજ વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
વાસ્તવિક રીતે આપણે સૌ ફરી પ્રકૃતિ તરફ વળીએ. પર્યાવરણનું સમતોલન જાળવીએ. આવતી પેઢીને તૈયાર કરીએ જેથી આપણે જે પર્યાવરણને નુકસાન પહોંચાડયું છે તેની અસરોથી તેઓ બચી શકે.
ડો. રમેશભાઇ ભાયાણી