સામગ્રી :
બેસન : ૨૫૦ ગ્રામ,
કાજુ : ૬,
દહીં : ૨૫૦ ગ્રામ,
ધાણાજીરું : ૨ ચમચી,
લીલું મરચું : ૧ ચમચો,
જીરું : ૧ ચમચી,
મીઠું : પ્રમાણસર,
માવો : ૨૫૦ ગ્રામ,
કિસમિસ : ૧૦,
લાલ મરચાં : ૪ ચમચી,
હળદર : ૧ ચમચી,
હીંગ : ૧/૨ ચમચી,ઘી,
કોથમીર.
રીત :
બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક લુઆમાં ૧ કાજુનો ટુકડો, ૧ કિસમિસ, ૧ ચમચી માવો ભરવો. પછી લુઓ બંધ કરવો આમ બધા લુઆ તૈયાર કરી તળી લેવા. દહીંને વલોવી તેમાં લાલ મરચાં, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું. એક વાસણમાં ૪ ચમચા ઘી ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી તેમાં દહીં નાખવું, પછી દહીં ઊકળે ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું. જ્યારે દહીં અને ઘી છૂટા પડે ત્યારે એમાં તળેલા ગટ્ટા, વધેલાં કાજુ, કિસમિસ, અને માવો નાખવા. થોડીવાર ઊકળવા દેવું. ગટ્ટા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નીચે ઉતારી તેમાં ઝીણું સમોરેલું લીલું મરચું અને ઝીણી સમારેલી કોથમીર નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવું. પીરસતી વખતે ગમે તો થોડું ક્રીમ નાખીને પણ પીરસી શકાય છે.