આપણે ત્યાં મેંદીની વાડ થાય છે. બહેનો હાથ-પગ રંગવામાં તેનો ઉપયોગ કરે છે.
મેંદીનો રસ કડવો અને તૂરો છે. તે તાસીરે ઠંડી છે. પચવામાં હલકી, લૂખી, કફપિત્ત-શામક, શોથહર, દાહપ્રશમક, કેશ્ય, વ્રણરોપણ, મેદ્ય અને નિદ્રાજનક છે.
મેંદી ખૂબ ઠંડી છે તેથી હાથ-પગના તળિયે બળતરા થતી હોય તો તેના પાનને વાટી તેનો લેપ કરવાથી ઠંડક થાય છે.
વળી તે સુંદર રંગ ધારણ કરે છે. મેંદીની રતાશ આંખોને ગમે છે. તેથી બહેનો વ્રત અને શુભ પ્રસંગે તેના હાથ-પગ તેનાથી રંગે છે અને વિવિધ ડિઝાઈનો પાડે છે.
મેંદી વાળને કાળા કરે છે. માથાના તેલમાં મેંદીનો રસ ભેળવીને તેને પકકવું.
કમળાના રોગીને મેંદીના પાનનો રસ પાવો. કરમિયાના રોગીને સાકર સાથે મેંદીનો રસ પાવાથી પેશાબમાં જતું પરું અટકે છે અને પેશાબની બળતરા અટકે છે.
અનિદ્રાના રોગીને માથે મેંદીના પાનની લુગદી ભરવાથી એકદમ ઠંડક થઈને ઊંઘ આવે છે.