ઉત્તર ધ્રુવ પર સેંકડો કિલોમીટર ઊંચો કલ્પિત મિનારો છે, જ્યાંથી ફેંકવામાં આવેલો પથરો સીધો જમીન તરફ પડે છે. પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ તેને પરબારો નીચે આવવા ફરજ પાડે છે.મિનારાની ટોચે અહીં શક્તિશાળી તોપ ગોઠવેલી છે એમ ધારી લો. પૂરજોશમાં ફાયર કરાયેલો તોપગોળો પણ છેવટે તો નીચે પટકાય છે, છતાં ધક્કો મળવાને લીધે તે આગળ તરફ થોડુંક અંતર કાપ્યા પછી ભોંયભેગો થાય છે.હવે અનુમાન કરો કે એક સેટેલાઇટને ક્યાંય જોરદાર ધક્કો આપીને છોડવામાં આવ્યો છે. પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ તેને પણ નીચે તરફ આકર્ષ્યા વગર રહેતું નથી, માટે એ સેટેલાઇટનું પતન થવા માંડે છે. કોઈ લિફટનું દોરડું અકસ્માત તૂટી જાય અને લિફટ સડસડાટ પડવાનું શરૂ કરી દે તેમ સેટેલાઈટ પણ ગબડતો રહે છે. મહત્વની વાત એ કે સેટેલાઈટનો વેગ જેવો તેવો હોતો નથી. આ કૃત્રિમ ઉપગ્રહ કલાકના લગભગ ૨૮,૫૦૦ કિલોમીટરના વેગે પૃથ્વી તરફ પડ છે. પૃથ્વી જો સપાટ હોય તો ચોખ્ખી વાત કે વહેલોમોડો તે જમીનદોસ્ત થાય, પરંતુ ધરતી ગોળાકાર છે. ગોળાઈને કારણે પૃથ્વીના સંપર્કમાં તે આવતો જ નથી—અને ગોળાકાર ભ્રમણકક્ષા રચીને જેમનો તેમ પ્રવાસ ખેડતો રહે છે. પ્રદક્ષિણાની ઝડપ ઘટી જાય તો પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ તેને જરૂર નીચે પાડી દે.