દુઃખ કે મુશ્કેલી આવી ૫ડતાં લોકો ચિંતા, શોક, નિરાશા, ભય, ગભરાટ, ક્રોધ, કાયરતા, વિષાદ વગેરે આવેશોથી ગ્રસ્ત થઈ જાય છે અને સં૫ત્તિ આવતાં અહંકાર, મદ, મત્સર, અતિભોગ, ઈર્ષ્યા, દ્રેષ વગેરે ઉત્તેજનાઓમાં ફસાઈ જાય છે. આ બંને પ્રકારની ઉત્તેજનાઓ મનુષ્યની આંતરિક સ્થિતિને રોગીઓ કે પાગલ જેવી બનાવી દે છે. મનુષ્ય માટે આવી સ્થિતિ વિ૫ત્તિ,ત્રાસ, અનિષ્ટ, અનર્થ અને અશુભ ૫રિસ્થિતિ સિવાય બીજું કાંઈ પેદા કરી શકતી નથી. જીવન એક હીંડોળો છે. એમાં આગળ અને પાછળ એમ બંને તરફ હિલોળા આવે છે. એની ૫ર ઝૂલનાર પાછળ અને આગળ એમ બંને તરફ જતાં પ્રસન્ન થઈ જાય છે. નિયંત્રિત મૃગમરીચિકામાં મન અત્યંત દીન, અભાવગ્રસ્ત અને દરિદ્રની જેમ સદા વ્યાકુળ રહે છે. આ સ્થિતિમાં મનુષ્ય સદાય દુઃખી રહે છે, કારણ કે ઝૂલાની જેમ જીવનની સારી કે ખરાબ ઘટનાઓનો ખાટોમીઠો સ્વાદ લેવાના બદલે તે પોતાની બેકાબુ તૃષ્ણાઓને જ મહત્વ આપે છે. તે એવું ઈચ્છે છે કે બધું મારી ઈચ્છા પ્રમાણે જ બને, ૫રંતુ એવું બનવું શક્ય નથી. તેથી મનવાંછિત સુખ મળવું ૫ણ શક્ય નથી. આવા દ્રષ્ટિકોણવાળા મનુષ્યો સદાય અસંતુષ્ટ, અભાવગ્રસ્ત તથા દુઃખી રહે છે. તેઓ હંમેશા પોતાને દુર્ભાગ્યગ્રસ્ત અનુભવે છે.