અંગના સોજા મટાડનારી સુલભ ઔષધિ – સાટોડી
પરિચય :
ગુજરાતમાં વાડી-ખેતરોમાં, રસ્તાની પડખેની કે મેદાનની રેતાળ જમીનમાં સર્વત્ર ‘સાટોડી‘ (પુનર્નવા, વિષ ખપરા / હટસિટ) નામની વનસ્પતિના છાતલા છોડ વધુ વ્યાપકપણે થાય છે. તેની બે જાતો છે. સફેદ ફૂલની સાટોડી અને લાલ ફૂલની ડાળખીવાળો સાટોડો કે સાટોડી. વૈદકમાં સાટોડી સોજા, લીવર, પાંડુ, જળોદર, તથા કિડનીના દર્દમાં ખૂબ જ વપરાય છે. તેનાં છોડ-છાતલા જમીન પર પથરાય છે. કે વાડે ચડે છે. તેની ડાંડી અને શાખા સુતળી જેવી જાડી હોય છે. એક મૂળમાંથી શાખાઓ ચારે તરફ ફેલાય છે. પાન જરા ગોળ જેવા, તાંદળજાની ભાજી જેવા, પણ દળમાં જરા વધુ જાડા અર્ધા ઈંચથી એક ઈંચ લાંબા-પહોળા થાય છે. સફેદ જાતમાં પાનની કિનારી, ફૂલ અને ડાળીઓ આછા સફેદ રંગની અને લાલ જાતમાં તે બધા રાતા રંગના થાય છે. તેની પર નાની ઘંટડી કે છત્ર જેવા, ફિક્કા ઘેરા, ગુલાબી કે સફેદ રંગના પુષ્પો પાસપાસે આવે છે જે સવારે ઉઘડે છે. મૂળ આંગળી કે કાંડા જેવું જાડું ને ટુંકુ થાય છે.
ગુણધર્મો :
ધોળી સાટોડી મધુર, કડવી, તીખી, ખારી, તૂરી, ગરમ, લૂખી, રૂચિકર, સારક હ્રદયને હિતકર, કફનાશક, જઠરાગ્નિ ખૂબ વધારનાર, મૂત્ર સાફ લાવનાર, કિડની (મૂત્રપિંડ)ના દર્દોમાં ખૂબ હિતકર અને લીવર-બરોળના કે અંગના સોજા, પાંડુ, જળોદર,પેટના દર્દો, બદગાંઠ, નેત્રરોગો, આમવાત, ખાંસી, શ્વાસ, શરદી, પથરી, ચાંદી, પરમિયો, ભગંદર તથા હાથીપગુ મટાડે છે. લાલ સાટોડી, કડવી અને મૂત્રલ સારક છે. તે સોજા, રક્તપ્રદર, પાંડુ, પિત્ત, રક્તવિકાર, મૂત્રની અલ્પતા, પરમિયો, નેત્રવિકાર મટાડે છે. તે વધુ માત્રામાં ઉલટી કરે છે. તે હ્રદયરોગ, લીવર અને જળોદર તથા અંદર બહારના સોજામાં વધુ લાભકર્તા છે. આ ખૂબ લાભપ્રદ દવા છે.
ઔષધિ પ્રયોગ :