ગર્ભધારણ ન કરી શકતી સ્ત્રી માટે આશીર્વાદરૂપ – શતાવરી
શતાવરીના મૂળ સફેદ, ગુચ્છાદાર, અણીવાળા, લંબગોળ અને ઘન હોય છે.
શતાવરી સ્વાદે મીઠી અને સહેજ કડવી છે. તાસીરે તે ઠંડી છે. પચવામાં ભારે, ચીકાશવાળી, વાત- પિત્તશામક અને કફહર છે. તે બળવર્ધક, મેદ્ય, દુઃખાવો અને બળતરા ઘટાડનાર, શરીરને શાંતિ આપનાર, ઘાને રૂઝવનાર, અગ્નિદીપક, હ્રદ્ય, ગર્ભને પોષણ આપનાર અને સ્થાપનાર, ધાવણ વધારનાર, વીર્યની વૃદ્ધિ કરનાર અને રસાયન છે. તે અમ્લપિત્ત, અલ્સર, મોંના ચાંદાં, બળતરા, રક્તપિત્ત, સ્તન્ય ક્ષય, સ્તન્ય દુષ્ટિ, શુક્રાલ્પતા, શીઘ્રપતન, અપુરુષત્વ, લોહીબગાડ, પ્રદર, આંખના રોગ, ક્ષય, દુર્બળતા અને કૃશતામાં સારી છે.
શતાવરી ચૂર્ણ, શતાવરી ધૃત અને શતાવરી ક્ષીરપાક (દૂધપાક)નો ઔષધીય ઉપયોગ છે.
શક્તિવર્ધક અને શીતળ દ્રવ્યોમાં શતાવરી સર્વોત્તમ છે. દૂધ સાકર અને શતાવરી ચૂર્ણ મેળવીને તેને ઉકાળી ઠંડું પાડી તેનું સેવન કરવાથી બધા જ પિત્ત વિકારો, દુર્બળતા, જાતીય નબળાઈ નાશ પામે છે. રતવા કે શરીરની ગરમીથી જે સ્ત્રી ગર્ભધારણ ન કરી શકતી હોય કે જેમને વારંવાર ગર્ભપાત થતો હોય તેમને માટે શતાવરી આશીર્વાદ સમાન છે