ઊંચાઈ તથા શક્તિવર્ધક – અશેળીયો
અશેળીયો એકથી દોઢ ફુટ ઉંચા અશેળીયાના છોડ ભારતમાં બધે જ થાય છે. એ કડવો, તીખો અને ગરમ છે. તેનાં બી રાઈના દાણા જેવાં છીંકણી-રાતા રંગનાં, સાંકડાં, લંબગોળ, ચમકતાં, સુંવાળાં અને ટોચ પર ચપટાં હોય છે. બજારમાં એ મળે છે અને ઔષધમાં વપરાય છે. એમાં ૨૮ ટકા જેટલું તેલ હોય છે. અશેળીયો વાયુનો નાશ કરનાર, બળ વધારનાર, ધાવણ વધારનાર, કટીશુળહર, વાયુ અને કફના રોગોમાં હીતાવહ, હેડકી શાંત કરનાર અને પુષ્ટીકારક છે. અશેળીયાની ઘીમાં બનાવેલી રાબ પીવાથી પ્રસુતી જલદી થઈ જાય છે. આ રાબ પીવાથી હેડકી પણ શાંત થઈ જાય છે, ધાવણ વધે છે, ભુખ લાગે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. એનાથી કમરનો દુ:ખાવો પણ મટે છે. એના બીજનો લેપ કરવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટે છે. સાંધાના સોજા પર પણ એનો લેપ કરી શકાય.
(૧) અશેળીયાનાં બી ખાવાથી યકૃત અને બરોળના લોહીનો જમાવ દુર થાય છે.
(૨) સંધીવા, કટીશુળ અને ઘુંટણના દુઃખાવામાં એની રાબડી પીવાથી રાહત થાય છે.
(૩) સ્ત્રીઓને જલદી પ્રસુતી કરાવવામાં પણ એની રાબડી વપરાય છે.
(૪) શીયાળામાં પુષ્ટી માટે વસાણામાં પણ એ નાખવામાં આવે છે.
(૫) અશેળીયો ગરમ અને અનુલોમન ગુણવાળો હોવાથી અપચાને લીધે થતી ઉલટી અને હેડકી મટાડે છે.
(૬) એક ગ્લાસ દુધમાં એક ચમચી અશેળીયાનાં બી ઉકાળી બરાબર એકરસ થાય તેવી ખીર બનાવી ખાવાથી વાયુના રોગો મટે છે.
(૭) બાળકોને એ ખીર આપવાથી બાળકો હૃષ્ટપુષ્ટ થાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) બરોળ-કલેજા (લીવર) પર લોહીનો જમાવ : અશેળીયાનાં બીનું ચૂર્ણ રોજ પાણીમાં લેવું કે, તેના બીની દૂધમાં ખીર બનાવી રોજ પીવી.
(૨) શીધ્ર પ્રસવ માટે : પ્રસવ તત્પર સ્ત્રીને અશેળીયાની ગરમ રાબ પીવડાવવાથી સ્ત્રીનું વેણ માટે જોર વધે છે અને પ્રસવ જલદી થાય છે.
(૩) હેડકી : ખોરકાનું અજીર્ણ થવાથી વાયુ અવળો ચડતા ઊપડેલી હેડકી અશેળીયાની રાબ પીવાથી મટે છે.
(૪) સંધિવા-કમરની પીડા – રાંઝણ : અશેળીયાના બીની ગરમાગરમ રાબ સવાર-સાંજ પીવી.
(૫) કૌવત-શક્તિ-ઊંચાઈ વધારવા : અશેળીયાનાં બી તથા ખારેકનો ભૂકો સરખા ભાગે મેળવી ૨ ચમચી ભૂકો દૂધમાં ઉકાળી, તેની ખીર બનાવી ૬-૧૨ માસ પીવી. આવી ખીર નાનાં બૂબળા બાળકોને હ્રષ્ટપુષ્ટ કરે છે અને વાયુના રોગીને પણ લાભ કરે છે.
(૬) માર-ચોટ કે બેઠો મૂઢ માર પર અશેળીયાનાં બીની પોટીસ કરવી. અથવા અશેળીયો, હળદર, સાજીખાર અને મેંદાલકડી સમભાગે? લઈ બનાવેલ પાઉડરનો લેપ કરી લગાવવાથી જામી ગયેલું લોહી છૂટું પડી, સોજો તથા પીડા નાશ પામે છે.
(૭) અશેળીયાને વાટી, તેમાં થોડી સૂંઠ કે આદુનો રસ મેળવી, તેનો જુલાબ આપવાથી આમદોષના ઝાડા અને મરડો મટે છે.
(૮) ધાતુપુષ્ટિ : અશેળીયાની ખર કે તેના લોટમાં ધઉં તથા અડદનો લોટ મેળવી; ઘી-ખાંડ? નાંખી તેનો પાયો બનાવી તેમાં નાંખી દો. થોડીવાર પછી તેમાં ચારોળી, પિસ્તા, એલચી, જાયફળ અને ગંઠોડાચૂર્ણ ભેળવી, લાડુ બનાવી રોજ ખાવો. શિયાળાની ઋતુમાં આ ખૂબ પૌષ્ટિક અને શક્તિવર્ધક પાક છે.
(૯) ધાવણ વૃદ્ધિ : પ્રસવના બે માસ પછી માતાને અશેળીયાની ખીર રોજ પીવડાવવાથી તેનું ધાવણ વધે છે અને નબળાઈ મટી, શક્તિ આપે છે.
નોંધ :
દરેક વનસ્પતિના પરિચયમાં કૌંસમાં આપેલ બે નામોમાં પ્રથમ સંસ્કૃત ને બીજું હિન્દી નામ છે.