ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ અપાર છે, તે પ્રભુને પ્રસન્ન કરવા માટે ફળ,ફૂલ, પાન જેવી પૂજા સામગ્રીનો ઉપયોગ તો કરેજ છે ઉપરાંત દહીં, દૂધ, સાકર, મધ, ઘી વગેરેમાંથી બનાવેલ પંચામૃતનો પણ ઉપયોગ કરે છે. આ પાંચ વસ્તુઓમાંથી બનાવેલ પંચામૃતનો ઉપયોગ ભગવાનને સ્નાન કરાવવામાં થાય છે. ભક્તની ભાવના ખૂબ જ સારી છે, ભગવાન શુધ્ધ તત્વોથી સ્નાન કરી પછી ભોજન કરવા બેસે તો સારી રીતે પેટ ભરીને ભોજન લઈ શકે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતું, પાંચ જુદાં જુદાં તત્વોનું બનેલું પંચામૃત દરેક દેવના પૂજન માટે ઉપયોગમાં લેવાય છે. પછી તે શ્રી કૃષ્ણની પૂજા હોય કે ગણેશજીની બધા દેવોની પૂજા આ પંચામૃતાભિષેક વગર અધુરી ગણાય છે.
પંચામૃતાભિષેકમાં વપરાતું મધ પણ સાકરની જેમ મીઠાશનું પ્રતિક છે, પરંતુ તેમાં જોડો તફાવત છે, મધ મીઠાશ ધરાવે છે પરંતુ તેની મીઠાશ શક્તિદાયક છે, માણસમાં મીઠાશ સાથે સાર્મ્થય પણ હોવું જોઈએ, અને તો જ જીવન સંગ્રામમાં ઉભા થતાં પડકારોનો યોગ્ય રીતે સામનો થઈ શકે.
ભગવાન પંચામૃતાભિષેકમાં સ્થાન પામેલું ઘી કોમળતા એટલે કે સ્નિગ્ધતા તેમજ સ્નેહાળતાનું પ્રતિક છે. બાળક ગમે તેટલું અપ્રસન્ન હોય અને રડતું હોય પણ જયારે તેને માતાની હૂંફ મળે છે, તે તરત જ રડતું બંધ થઈ જાય છે. પરિવારના દરેક સભ્યો વચ્ચે હુંફનું અસ્તિત્વ હોય તો તે પરિવાર કમળની જેમ ખીલેલું રહે છે, અને આવો પરિવાર પૂર્ણ રીતે વિકાસ સાધી શકે છે.
આમ, પંચામૃતમાં રહેલી લાક્ષણિકતાઓની સાચી સમજ કેળવી આપણે ભગવાનને પંચામૃતાભિષેક કરાવીએ તો આપણી પૂજા સફળ થઈ જાય.