નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા.
ભાવ ભરપૂર તને ભેટી પડે ને લાગે તું રમવા.
પર્વતના પડખામાં નવચંદરી ચરતી.
અડલાની આડશમાં પાડરી રે ભમતી.
ગારાળા આંગણ પછી લાગશે શું ગમવા!
નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા.
જનાવર જાજેરી ભોગવે જહાલી.
મોરલા પણ જુવો રહ્યાં છે મહાલી.
આ મોતી ચરંતા મોરલાના મોતી તું ગણવા.
નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા.
ગળા ગહન ને ફાડી નીકળે છે દોહરો.
ડુંગરના ગાળાને ગોવાળ એક જોય’રયો.
આવા પડઘાને હારબધ્ધ હલકારા ભણવા.
નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા.
ભગરી ભેસું ને ‘દેવ’ મારે ગોરી ગાવલડી.
પાડરૂ વાછરું ધરાઈ પછી દુધની દેગલડી.
બળુંકા કાંડાથી શેડુંના ઘમકારા સુણવા.
નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા.
દેવાયત ભમ્મર