આજકાલ ટીવી ચેનલો પર એક જાહેરખબર ખૂબ જોવા મળે છે. દશ્યાવલિમાં એક પિતા અને એક પુત્રી જોવા મળે છે. પુત્રી ખાસ્સી ઉંમરલાયક થઈ છે એટલે સ્વાભાવિક જ પિતાને એનાં લગ્ન કરવાની ઈચ્છા છે. આથી એ મૂરતિયા બતાવવા માંડે છે. જાહેર ખબરમાં આ બાબતને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવી છે. પિતા લગ્નની પાઘડી એક પછી એક જુવાનને શીરે ધરવા કોશિશ કરે છે અને પુત્રી ઈન્કાર પર ઈન્કાર કરે છે. આખરે પુત્રી પોતાના કોમ્પ્યુટરમાં એક વેબસાઈટમાં એક ‘મૂરતિયા’ પર ‘ક્લિક’ કરે છે અને પિતાને સૂચવે છે કે પાઘડી આને માથે બાંધો !
ટૂંકમાં, આખી જાહેર ખબરનો મર્મ એ છે કે આ પ્રકારે ‘નેટ’ દ્વારા તમે ઉત્તમ મૂરતીયા કે વહુઓ મેળવી શકો. અલબત્ત, આવી જાહેર ખબર એ કદી ન કહે કે આવાં લગ્નોની સફળતાની ટકાવારી બહુ ઓછી છે ! લગ્નો ગોઠવી આપનાર કંપનીઓની વેબસાઈટો પર અને નીજી સાઈટો પર લગ્નોત્સુક છોકરાઓ અને છોકરીઓની સંખ્યાબંધ વિગતો હોય છે. બસ, અમુક રીતે કોમ્પ્યુટરનું માઉસ ક્લિક કરો અને ‘એકથી એક ઉત્તમ’ પસંદગી સામે આવે ! પછી તો ઈન્ટરનેટની ‘ચૅટિંગ’ (વાતચીત)ની સગવડ કામે લાગે છે. છોકરાં માત્ર એકબીજાની તસવીર જોઈને અને બાયોડેટા વાંચીને ‘પ્રેમાલાપ’ કરવા લાગે છે. અને આશ્ચર્યજનક ઝડપે તેઓ લગ્ન કરવા પણ તૈયાર થઈ જાય છે. ‘ચટ મંગની, પટ બ્યાહ’ જેવો તાલ રચાય છે. આવી ઉતાવળનું કેટલાક કિસ્સામાં આવી જ બીજી કહેવત જેવું પરિણામ આવે છે : ‘ઉતાવળે પરણો અને નિરાંતે પસ્તાવ !’
આ તબક્કે અમે જણાવી દેવા માગીએ છીએ કે આ પ્રકારનાં લગ્ન નિષ્ફળ જ જાય છે એવું કહેવાનો અમારો ઉદ્દેશ નથી. પરંતુ એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત કેટલાક આંકડા અમારા મતની પુષ્ટી કરે છે. પાટનગર દિલ્હીમાં પાંચ પારિવારીક અદાલતો (ફેમિલિ કોર્ટ્સ) છે. અહીં દરરોજ નોંધાતા સરાસરી એકસો છૂટાછેડાના મુકદ્દમામાં કમ-સે-કમ પચાસ મુકદ્દમા ‘નેટ’ પરથી યોજેલાં લગ્નોની નિષ્ફળતાના હોય છે. બેંગ્લોરમાં નોંધાતા છૂટાછેડાના મુકદ્દમામાં 25 થી 35 ટકા ‘નેટ’ લગ્નના હોય છે. મુંબઈમાં આ ટકાવારી 15 થી 20 ટકાની અને કલકત્તાની એથીય ઓછી છે. સારું છે; પરંતુ દેશભરની ટકાવારીની સરાસરી શોધવા જઈએ તો છૂટાછેડા માટેના દાવાઓમાં પચીસેક ટકા ‘નેટ’-લગ્નમાંથી છૂટકારો પામવા માટેના હોય છે. પરિસ્થિતિ ઠીક ઠીક પ્રમાણમાં ગંભીર છે. ‘નેટ’-લગ્નો પરદેશમાં વસતાં યુવક-યુવતી સાથે યોજાય છે તે એક પ્રકાર થયો. દેશની અંદર જ ભિન્ન ભિન્ન સ્થળે (કેટલાક કિસ્સામાં તો બબ્બે હજાર કિલોમીટર છેટે) રહેતાં યુવક-યુવતી માત્ર ‘ચૅટિંગ’ કરીને લગ્ન નક્કી કરી લે છે. નેટ-ચૅટિંગની આ ક્રિયા એકાંતમાં થતી હોય છે. મોડી રાતે થતી હોય છે. છોકરો-છોકરી પોતાના બેડરૂમમાં બેસીને પોતાના લેપટોપ પર ‘ચેટિંગ’ કરે છે, પરિણામે આ કે તે પક્ષનાં વડીલોને તો મામલો લગ્ન સુધી પહોંચે ત્યાં સુધી ખબર જ નથી પડતી. છોકરાંઓ વડીલોને પોતાનો ‘નિર્ણય’ જણાવે ત્યાર પછી તપાસને ખાસ અવકાશ રહેતો નથી. છોકરાં લગ્ન કરી નાખવા માટે એકદમ અધીરાં બની ગયાં હોય છે. એમણે તો લગ્નના કોલની આપ-લે કરી નાખી હોય છે.
ફરી વાર કહીએ કે તમામ ‘નેટ’-લગ્નોમાં આમ નથી હોતું. વડીલોને નિર્ણયપ્રક્રિયામાં સામેલ પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ અમે એક લગ્નનાં સાક્ષી બન્યાં હતાં. દીકરી અમદાવાદની અને મૂરતિયો અમેરિકાનો હતો. બંનેએ પહેલાં તો એકાદ વર્ષ સુધી નેટ-ચૅટિંગ કર્યું. પછી નક્કી કર્યું કે આપણાં વડીલોને જાણ કરીએ. દીકરીનાં ફોઈ-કાકા અમેરિકા રહે છે. તેઓ અમેરિકાવાસી ‘ઉમેદવાર’ને ઘેર જઈ આવ્યાં. યુવકનાં વડીલોને મળી આવ્યાં. દેશમાં એમનાં મૂળિયાં ક્યાં છે, એની તપાસ કરી આવ્યાં. આ નગરમાં આ લોકોનાંય ઓળખીતાં રહેતાં હતાં. એ સૌને મળીને યુવક તથા તેના પરિવાર વિશે તપાસ કરી. દેશમાં રહેતાં એ લોકોનાં સગાં કેવાં છે, એની દેશમાં તપાસ કરવામાં આવી. આમ, બધી રીતે તપાસ કરતાં યુવક દરેક પ્રકારે લાયક જણાયો, તે પછી જ લગ્ન માટે વડીલો સંમત થયાં. આ કિસ્સામાં યુવતીને પણ ધન્યવાદ કે એણે પોતાની પસંદગી સિવાયની દખલ માટે વાંધો ન ઉઠાવ્યો. બાકી, આજકાલ તો છોકરીઓ પણ ન આગળ જુએ, ન પાછળ જુએ અને લગ્ન જેવા ગંભીર મામલામાં ઝૂકાવી દે છે. વેબ પર મળતી વ્યવસાયી લગ્ન-એજન્ટોની સાઈટો અને વ્યક્તિગત સાઈટો, એ દરેકનું એક લક્ષણ ‘ગુણો’ને બઢાવવા-ચઢાવવાનું અને ‘અવગુણો’ને ઢાંકવાનું હોય છે. આ પણ પોતાનો માલ વેચવા નીકળેલા લોકોની જાહેરખબરો જેવું છે.
અચ્છા, માત્ર આટલી જ વાત હોય તો સમજ્યા, પરંતુ અહીં ઘણીવાર હળાહળ જૂઠનો આશ્રય લેવામાં આવે છે. એક કિસ્સામાં એક યુવતીએ પોતાના પૉર્ટલ પર પોતે એમ.બી.એ. ડિગ્રી ધરાવે છે એવું લખેલું. એ જોઈને દૂર દેશાવરમાં વસતા એક જુવાને લગ્નની તૈયારી બતાવી. એને એમ કે બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીવાળી પત્ની સારા એવા પગારની નોકરી કરશે. પરિવાર સમૃદ્ધ બનશે. આવી બાબતોમાં લોકો સાબિતી નથી માંગતા. લોકો માને છે કે જિંદગીભરને માટેના સંબંધમાં કોઈ ખોટું થોડું જ બોલે ? એટલે એમ.બી.એ.નું પ્રમાણપત્ર માગતાં લોકો શરમાય જ. પણ આ કિસ્સામાં લગ્ન પછી જણાયું કે છોકરી સ્નાતક પણ નહોતી. એણે પતિને જણાવ્યું કે એની બહેનપણીએ સમજાવેલું કે પરિચયમાં એમ.બી.એ. લખવાથી ‘ઈમ્પ્રેશન’ સારી પડશે ! (આ લખનારનો વાસ્તવિક જીવનના પણ ઘણા કિસ્સાઓનો આવો જ અનુભવ છે. પરિચય-પત્રિકામાં રજૂ કરેલી વિગતો ઘણીવાર ખોટી નીકળી છે. કેટલીકવાર શંકા પડી છે, છતાં શરમના માર્યા સમજૂતી કે સાબિતી માગવાની હિંમત ચાલી નથી.)
આવા છેતરપિંડીના અન્ય પણ કિસ્સા છે. રાજસ્થાનના એક યુવકે પોતાના નામ પછી સી.એ. લખેલું. એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માનીને દહેરાદુનની એક છોકરી લટ્ટુ બની ગઈ. લગ્ન પછી ખબર પડી કે જુવાન એક પ્રાઈવેટ નાની પેઢીનો નામા કારકૂન હતો – કલાર્ક ઑફ એકાઉન્ટ્સ ! સી.એ. !! મુંબઈની એક લગ્નોત્સુકાએ વેબસાઈટ પર પોતાની ઉંમર 25 જણાવેલી. સાથે જે ફોટો મૂકેલો તે પોતાનો પચીસની વયનો અને ઘણા મેકઅપ સાથે પડાવેલો હતો. ઈલેક્ટ્રોનિક શબ્દો વડે એક અમેરિકન યુવક સાથે પ્રેમાલાપ ચાલ્યો. યુવક જલદી જલદી લગ્ન કરવા દોડી આવ્યો. લગ્નમંડપમાં પેલી સખત મેકઅપ કરાવીને આવી હતી. કોઈ કહી ન શકે કે એ પચીસની નથી. પણ લગ્નની પ્રથમ રાત્રિએ તેણે મેકઅપ ધોયો ત્યારે વરરાજાના તો મોતિયા જ મરી ગયા. બાઈ ચાળીસની હતી ! જૂઠના એક અન્ય કિસ્સામાં ત્રીસેકની વયની એક યુવતીએ વિગતો ચોક્કસ પોતાની અને સાચી આપી હતી, પરંતુ તસવીર પોતાની નાની બહેનની છાપી હતી ! અને ‘નેટ’-લગ્નમાં જૂઠનો કદાચ સૌથી ભયંકર કિસ્સો તો એ જાણમાં આવ્યો છે, કે જેમાં એક યુવતીએ અમેરિકાવાસી એક યુવક સાથે એકાદ વર્ષ ‘ચેટિંગ’ કર્યું; એના પરિવારની તપાસ કરાવી; એનાં દેશ ખાતેનાં સગાંસંબંધીઓની પૂછપરછ કરી અને પોતાના પરિવારની પણ પૂર્ણ સંમતિથી લગ્ન કર્યાં અને….. અને ‘ચેટિંગ’થી શરૂ થયેલી આ ઘટનામાં રહેલા ‘ચીટીંગ’નો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે જણાયું કે યુવક પોતે તો ભણેલોગણેલો અને ઘણું કમાતો હોવા છતાં માણસમાં જ નહોતો અને એણે વિધુર પિતાને સ્ત્રીપાત્ર મેળવી આપવા લગ્ન કર્યાં હતાં !
નેટ પર જોઈને, જાહેર ખબરોમાં વાંચીને ‘ઘડિયાં લગ્ન’ લેવાના આ વાવર પાછળનું ચાલક બળ અમને તો ડોલર માટેની ઘેલછા લાગે છે. યુવક કે યુવતી અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપુર વગેરેમાં વસતા હોય એટલે કરોડોમાં જ આળોટતાં હોય અને એમને પરણવાથી પોતે પણ એવા આળોટણની મોજ માણશે, એવા લોભમાં ઘણાં આવાં ઉભડક લગ્નો થાય છે. બીજું કારણ આજનાં જુવાનિયાઓની ‘સ્વતંત્ર’ વૃત્તિ છે. લગભગ દરેક ફિલ્મમાં એક સંવાદ આમ હોય છે :
પિતા : ‘બેટે, મૈંને રાયબહાદુર કી ઈકલૌતી બેટી સે તેરી શાદી તય કર દી હૈ.’
પુત્ર : ‘આપકો ક્યા અધિકાર હૈ મેરી શાદી તય કરને કા ? શાદી મેરી હો રહી હૈ યા આપ કી ? મેરી શાદી મેરા અપના મામલા હૈ.’
સંવાદમાં બંને પાત્ર સાચાં છે અને બંને ખોટાં પણ છે. દીકરાને (કે દીકરીને) પૂછ્યાગાછ્યા વગર એનાં લગ્ન નક્કી કરવાનાં જ ન હોય. બીજી બાજુ, માતાપિતા અને અન્ય વડીલોની અનુભવી આંખ તળે પસાર થયા વગરના સંબંધમાં જોખમ હોય છે તે દીકરાએ (કે દીકરીએ) પણ સમજવું જોઈએ. ‘લગ્ન અમારો નીજી મામલો છે.’ એ વાત જ સાવ ખોટી છે. ફિલ્મી ડાયલોગ-લેખકો જુવાનિયાઓને ઉશેકરવા અને ફિલ્મ વેચવા આવું લખે છે. વાસ્તવમાં, લગ્નને માતાપિતા સાથે, સાસુસસરા સાથે, સંતાનો સાથે, અસંખ્ય સગાંવહાલાં સાથે, સમાજની નૈતિકતા સાથે, પૂરા સમાજ સાથે સંબંધ છે.